ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગ .
અમદાવાદ: આ વખતે ગુજરાતમાં હજી ગાત્રો થીજવતી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અંગે આગાહી કરી છે. વાદળો રાજ્યમાં હજુ ક્યાર સુધી દેખાશે અને ઠંડી ક્યારથી વધી શકે તે અંગે પણ આગાહીમાં જણાવવામાં આવ્યુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. હવામાન નિષ્ણાતોનું માનીએ તો ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે.
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ છે કે, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની કોઇ સંભાવના નથી. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અપર લેવલ એટલે હાઇ ક્લાઉડ રહેવાની સંભાવના છે. ડો. મનોરમા મોહન્તીએ ગુરૂવારના તાપમાન અંગે જણાવ્યુ હતુ કે, અમદાવાદમાં ૧૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે ગાંધીનગરમાં ૧૬.૫ ડિગ્રી જ્યારે નલિયામાં ૧૦.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ સાથે તેમણે તાપમાનની વાત કરતા જણાવ્યુ કે, રાજ્યમાં ત્રણ – ચાર દિવસ સુધી તાપમાન વધવાની શક્યતા નથી. પરંતુ ત્રણ દિવસ પછી બેથી ત્રણ ડિગ્રી તાપમાન ગગડવાની શક્યતા છે