રાજકોટમાં ૪, સુરતમાં ૨ અને અરવલ્લીમાં ૧ નું મોત.
ગુજરાતમાં હાર્ટ એટેક આવવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, એમાં પણ ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું જોખમ વઘી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં યુવાનોના કસરત કરતા, ગરબા રમતા કે પછી ઉંઘમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યાં છે, ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૭ લોકોને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવતા ચિંતા વધી ગઈ છે. જે લોકોને હાર્ટ એટેક આવ્યો અમાં રાજકોટમાં ૪, સુરતમાં બે અને અરવલ્લીમાં એકનું મોત થયું છે. અને ચિંતાજનક વાત તો એ છે કે આ તમામ લોકો કામ કરતા કરતા ઢળી પડ્યા હતા.

રાજકોટમાં હાર્ટ એટેકથી છેલ્લા ૨૪ કલાકમાં ૪ લોકોના જીવ ગયા છે. આ તમામ લોકો નાની ઉંમરના હતા. ચારેય લોકોને ચાલુ કામમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને અમુક ક્ષણોમાં તો તેમનું મોત થઈ ગયું. જ્યારે અરવલ્લીમાં ગરબા રમતા બિલ્ડરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. મોડાસાની કોરલ સિટીમાં રહેતા બિલ્ડરનું મોત નિપજતા સમાજમાં શોકનો માહોલ છવાયો છે.

સુરતના લિંબાયતના યુવક સહિત બેના બેભાન થયા બાદ મોત નિપજ્યા છે. હાર્ટ એટેક બાદ મોત થયા હોવાની શક્યતા છે. લિબાયતમાં સત્યાનંદ સાહું ઘરમાં બેઠો બેઠો બેભાન થઈ ગયો હતો. તો સરથાણામાં ઘનશ્યામ ધોરાજીયા સબધીને ત્યાં બેભાન થઈ ગયા હતા. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.

શિયાળામાં શરીરમાં ફેરફારના કારણે હૃદય અને શ્વાસ સંબંધિત સમસ્યા વધી શકે છે. આ વાતાવરણમાં ખાવા પીવામાં બેદરકારી રાખવામાં આવે તેના કારણે પણ હૃદય ઉપર જોખમ ઊભું થાય છે. શિયાળામાં શારીરિક ગતિવિધિ ઓછી થઈ જાય છે જેના કારણે વજન પણ ઝડપથી વધે છે અને સ્ટ્રેસ પણ વધી શકે છે. અને આ બધાની ખબર અસર હૃદય પર થાય છે.