કકડતી ઠંડીની વચ્ચે હજુ ૫ દિવસ સુધી ગુજરાતનાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. હવામાન વિભાગ તરફથી કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૫ દિવસ ઠંડીનો માહોલ જોવા મળશે.
નવા વર્ષની શરૂઆતની સાથે જ હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં આવનારા તાપમાન અંગે પણ લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજુ ૫ દિવસ સુધી આવું જ તાપમાન રહેશે. હાલમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૫.૯ ડિગ્રી નોંધાયું જ્યારે ૮.૪ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર યથાવત છે.
હવામાન ખાતા તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર હાલમાં પવનની ગતિ ઉત્તર પૂર્વીય દિશામાં છે. રાજ્યમાં અંદાજે ૧૦ કિમીની ઝડપે ઠંડો પવન ફુંકાઈ રહ્યો છે અને આ તાપમાનમાં વધુ ૫ દિવસ સુધી કોઈ ફેરફાર થશે નહીં. રાજ્યમાં હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવે જણાવ્યું કે હાલમાં હવાની દિશા નોર્ધલી (ઉત્તરથી દક્ષિણ આવતી હવા) અને નોર્ધનઈસ્ટર્લી ( ઉત્તરથી પૂર્વ બાજુ) છે. જેના કારણે આવનારા ૫ દિવસો સુધી રાજ્યમાં ડ્રાય વેધર કન્ડિશન જોવા મળશે. હાલમાં સૌથી ઓછું તાપમાન કચ્છનાં નલિયા ખાતે નોંધાયું છે જે ૮.૪ ડિગ્રી સેલ્સિયસ છે.