રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પાસે ગૃહ સહિત ૮ મંત્રાલયો, ડેપ્યુટી સીએમ દિયા કુમારીને નાણા સહિત ૬ મંત્રાલયો મળ્યા.
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ શુક્રવારે મુખ્યમંત્રી ભજનલાલ શર્માના નેતૃત્વમાં નવા સમાવિષ્ટ કેબિનેટ માટે પોર્ટફોલિયોની યાદી મંજૂરી આપી હતી. રાજસ્થાનમાં ભજનલાલ સરકારનું મંત્રીમંડળમાં વિભાગોની વહેંચણી કરી દેવામાં આવી છે. આ નવી સરકારમાં અપેક્ષા મુજબ સીએમ ભજનલાલે દરેક મહત્વના મંત્રાલયને પોતાની પાસે રાખ્યા છે. તેમની પાસે ગૃહ મંત્રાલયથી લઇને એન્ટી કરપ્શન બ્યૂરો અને એક્સાઇસ મંત્રાલય સહિત આઠ મંત્રાલયો રહેશે. ડેપ્યુટી સીએમ દીયા કુમારીને પણ મહત્વપૂર્ણ નાણા મંત્રાલય સહિત કુલ છ વિભાગો સોંપવામાં આવ્યા છે. આ સાથે તેમની પાસે મહિલા કલ્યાણ, પર્યટનની જવાબદારી પણ રહેશે.
બીજા ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવાને શિક્ષણ અને માર્ગ પરિવહન સહિત ચાર મંત્રાલય મળ્યા છે. આ ઉપરાંત રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કેબિનેટ મંત્રી ડો.કિરોરી લાલ મીણાને પણ આ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ વખતે તેમને કૃષિ અને બાગાયત વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આસિસ્ટન્સ અને સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, પબ્લિક લિટિગેશન રિડ્રેસલ ડિપાર્ટમેન્ટની જવાબદારી સોંપવામાં આવી છે.
ગજેન્દ્ર સિંહ ખિંવસારને મેડિકલ એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ, મેડિકલ એન્ડ હેલ્થ સર્વિસીસ, કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડને ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ, સૂચના ટેકનોલોજી અને સંચાર વિભાગ, યુવા બાબતો અને રમતગમત વિભાગ, કૌશલ્ય આયોજન અને ઉદ્યોગસાહસિકતા વિભાગ, સૈનિક કલ્યાણ વિભાગ. મદન દિલાવરને શાળા શિક્ષણ વિભાગ, પંચાયતી રાજ વિભાગ અને સંસ્કૃત શિક્ષણ વિભાગ મળ્યા છે. કન્હૈયા લાલ ચૌધરીને પીએચડી વિભાગ, હીરાલાલ નાગરને ઉર્જા, સંજય શર્માને વન વિભાગ મંત્રાલય આપવામાં આવ્યું છે.