ગુજરાતે દેશમાં સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે, ૨૦૦૨-૦૩ થી ૨૦૨૨-૨૩ સુધીમાં ગુજરાતનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ(CAGR) એટલે કે વિકાસ દર ૧૫ ટકા હતો, જે આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે હતો તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.
સરકારના જણાવ્યા મુજબ આવા મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ સાથે ગુજરાત લાંબા સમયથી ભારતનું ગ્રોથ એન્જિન ગણાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી હતી (બે દાયકા પહેલા જ્યારે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા), ત્યારે અમારો ઇરાદો હતો કે રાજ્ય દેશની પ્રગતિનું ગ્રેથ એન્જિન બને. ભારતની જમીનના માત્ર ૬ ટકા અને તેની વસ્તીના ૫ ટકા સાથે, ગુજરાતે સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યોમાંનું એક હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
૨૨.૬૧ લાખ કરોડ રૂપિયાના દરે ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP )માં ગુજરાતનો ફાળો આશરે ૮ ટકા છે, એમ સરકારી આંકડામાં જણાવાયું હતું.ગુજરાતના અર્થશાસ્ત્રી હેમંત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતનો જીડીપી ગ્રોથ રેટ ભારતના જીડીપી ગ્રોથ રેટ કરતા વધારે હતો. જોકે વરસો દરમિયાન અન્ય રાજ્યોનો જીડીપી વૃદ્ધિદર વધ્યો હતો, તેમ છતાં આપણો આર્થિક વિકાસદર અન્ય રાજ્યો કરતાં ઊંચો રહ્યો હતો. આ એક કારણ હતું કે બિઝનેસ હાઉસિસ રોકાણ માટે ગુજરાત તરફ જુએ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના સત્તાવાર આંકડા મુજબ, ગુજરાતના જીએસડીપીમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો ફાળો આશરે ૩૬.૭ ટકા છે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS)ના વાર્ષિક અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ગુજરાતમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ ૪૪.૩ ટકા, વર્કર પોપ્યુલેશન રેશિયો (WPR) ૪૩.૩ ટકા (તમામ વયજૂથો માટે) અને બેરોજગારીનો દર ૨.૨ ટકા હતો, જે મુખ્ય ઔદ્યોગિક રાજ્યોમાં સૌથી નીચો હતો.
ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHC)માં વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૨૧-૨૨ સુધીમાં અનુક્રમે ૪૧ ટકા અને ૩૭ ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. નવેમ્બર ૨૦૨૨ ના અંતમાં રાજ્યમાં કુલ ૩૧૯ સીએચસી, ૧૪૬૩ પીએચસી અને ૬૫૭૫ સબ-લેન્ટર કાર્યરત હતા તેમ સરકારી યાદીમાં જણાવાયું છે. ૨૦૦૧ માં માત્ર નવ મેડિકલ કોલેજોની સરખામણીએ આજે ગુજરાતમાં ૩૦ થી વધુ મેડિકલ કોલેજો છે.