વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપ મુલાકાત અંગે માલદીવ સરકારમાં મંત્રી મરિયમ શિઉના અને અન્ય નેતાઓની આપત્તિજનક ટિપ્પણીઓ અંગે મામલો ગરમાયો છે.
ભારતમાં ઘણી હસ્તીઓથી માંડીને સામાન્ય લોકો સુધી આ અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં સોશિયલ મીડિયા પર #BycottMaldives ટ્રેન્ડ થઈ રહ્યું છે.
બીજી તરફ માલદીવમાં પણ ઘણા મંત્રી મરિયમ અને આ પ્રકારના નિવેદન આપનારા નેતાઓની ટીકા કરી રહ્યા છે.
દરમિયાન માલદીવની મોહમ્મદ મુઇઝ્ઝુ સરકાર મામલો સંભાળવાની કોશિશમાં જોતરાઈ ગઈ છે.
માલદીવ સરકારે અગાઉ એક નિવેદન જાહેર કરીને પોતાની જાતને મંત્રીઓની ટિપ્પણીથી અલગ કરી લીધી હતી. માલદીવ સરકારેના હવાલાથી દાવો કરાયો કે ટિપ્પણી કરનારા લોકોને સસ્પેન્ડ કરી દેવાયા છે.
રિપોર્ટો અનુસાર માલદીવ સરકારે પોતાના નિવેદનમાં કહ્યું, “પાડોશી ભારતને અપમાનિત કરતી સોશિયલ મીડિયા પોસ્ટ અંગે વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે. સરકારમાં પદે રહીને જે લોકોએ સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કરી છે, તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે.”
મીડિયા રિપોર્ટો અનુસાર મરિયમ શિઉના સિવાય માલશા શરીફ અને મહઝૂમ માજિદને પણ સસ્પેન્ડ કરાયાં છે.
માલદીવનાં ભૂતપૂર્વ ડેપ્યુટી સ્પીકર અને સાંસદ ઇવા અબ્દુલ્લાહે મંત્રીઓના સસ્પેન્શનની વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે માલદીવ સરકારે ભારતના લોકોની માફી માગવી જોઈએ.
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર તેમણે કહ્યું, “એ ખૂબ મહત્ત્વપૂર્ણ બાબત છે કે સરકારે પોતાની જાતને મંત્રીઓનાં નિવેદનોથી અલગ કરી લીધી. મને ખ્યાલ છે કે મંત્રીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે, પરંતુ મને લાગે છે કે માલદીવ સરકાર ભારતના લોકોની માફી માગે એ મહત્ત્વપૂર્ણ છે.”
તેમણે આગળ કહ્યું, “મંત્રીએ જે ટિપ્પણી કરી એ શરમજનક છે. તેઓ નસલવાદી છે, એ વાત ચલાવી ન લેવી જોઈએ. આ વાતો ભારત અને ભારતના લોકો માટે માલદીવનો અભિપ્રાય નથી. અમે એ વાત જાણીએ છીએ કે અમે કેટલી હદે ભારત પર આધારિત રહ્યા છીએ. જ્યારે પણ અમને જરૂર પડી છે, ભારતે સૌપ્રથમ મદદ કરી છે.”
ઇવા અબ્દુલ્લાહે કહ્યું, “અમે આર્થિક સંબંધો, સામાજિક સંબંધો, સ્વાસ્થ્ય, શિક્ષણ, કારોબાર, પ્રવાસન વગેરે માટે ભારત પર જ આધારિત છીએ. લોકો આનાથી વાકેફ છે અને તેઓ એ માટે આભારી છે. તમામ રાજકીય દળો, ભૂતપૂર્વ મંત્રીઓ અને હાલની સરકારના ગઠબંધનના સહયોગીઓ સહિત તમામે અપમાનજનક ટિપ્પણીની નિંદા કરી છે.”
આ પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે નિવેદન પર આપત્તિ વ્યક્ત કરતા સરકારને સલાહ આપી હતી કે તેમણે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ.
મામલો આગળ વધતાં માલદીવની સરકારે આધિકારિકપણે સ્પષ્ટતા કરવી પડી છે.
માલદીવ અને ભારતના સંબંધોમાં હાલના મહિનામાં બદલાવ જોવા મળ્યા છે. ખાસ કરીને નવેમ્બર 2023માં મોહમ્મદ મુઇઝ્ઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદથી કડવાશ વધી છે.
મુઇઝ્ઝુ અગાઉ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ માલદીવના રાષ્ટ્રપતિ હતા અને તેમની સરકારે ‘ઇન્ડિયા ફર્સ્ટ’ની નીતિ લાગુ કરેલી હતી. જોકે, મુઇઝ્ઝુ ‘ઇન્ડિયા આઉટ’ના નારા સાથે ચૂંટણીમાં ઊતર્યા હતા. જીત હાસંલ કર્યા બાદ મુઇઝ્ઝુના નિર્ણયોથી બંને દેશોના સંબંધો પર નકારાત્મક અસર થતી જોવા મળી.
મુઇઝ્ઝુને ભારતની સરખામણીએ ચીનની નિકટના નેતા માનવામાં આવે છે. તેમની સરકારમાં મંત્રી મરિયમ શિઉનાના આપત્તિજનક નિવેદન બાદ બંને દેશોના સંબંધો વધુ વણસે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપ મુલાકાત

લક્ષદ્વીપમાં વડા પ્રધાન મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયાની શરૂઆતમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની તસવીરો વડા પ્રધાને પોતાના આધિકારિક એક્સ હૅન્ડલ પર મૂકી હતી.
તસવીરો શૅર કરતા વડા પ્રધાન મોદીએ લખેલું કે જે લોકો ‘રોમાંચ પસંદ કરે છે તેમણે લક્ષદ્વીપની મુલાકાત જરૂર લેવી જોઈએ.’
તેમણે આ દરમિયાન સ્નોર્કલિંગ પણ કર્યું અને એક પ્રકારે તેઓ લક્ષદ્વીપના પ્રવાસનને પ્રમોટ કરતા હોય એવું લાગ્યું.
આ તસવીરો જોયા બાદ લાખો લોકો ગૂગલ પર એકાએક લક્ષદ્વીપ વિશે સર્ચ કરવા માંડ્યા અને સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ કે લોકોએ પોતાની રજા માલદીવના સ્થાને લક્ષદ્વીપમાં માણવી જોઈએ.
નોંધનીય છે કે ભારતમાંથી લગભગ બે લાખ કરતાં વધુ લોકો દર વર્ષે માલદીના પ્રવાસે જાય છે.
માલદીવના ભારતીય હાઇ કમિશન પ્રમાણે વર્ષ ૨૦૨૨ માં બે લાખ ૪૧ હજાર અને વર્ષ ૨૦૨૩ માં લગભગ બે લાખ ભારતીયો માલદીવ પહોંચ્યા હતા.