અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાવાનો હતો એ હવે રદ થયો છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જોકે છેલ્લી ઘડીએ પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરીને રોડ શો રદ કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ પીએમ મોદી અને યુએઈના રાષ્ટ્રપતિના રોડ શોનું આયોજન ૯ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. એઓ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ રોડ શો કરવાના હતા. જોકે સુરક્ષાના કારણોસર આ રોડ શો રદ કરાયો છે. એના બદલે હવે પીએમ મોદી ૮ જાન્યુઆરી રાત્રે ૧૦:૦૦ વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અને ત્યાંથી સીધા ગાંધીનગર રાજભવન જશે.
વડાપ્રધાન મહાત્મા મંદિરમાં આયોજિત વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. ચાર દેશોના વડા સાથે વાર્તાલાપ કરશે. બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરાંત સાંજે UAEના વડાને આવકારવા અમદાવાદ એરપોર્ટ જશે. ૧૦ જાન્યુઆરીના રોજ સવારે ૦૯:૪૫ વાગ્યે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઇઓ સાથે બેઠક યોજશે. પછી વડાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે, જ્યાં સાંજે લગભગ ૦૫:૧૫ વાગ્યે તેઓ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી વ્યાવસાયિક અગ્રણીઓ સાથે વાતચીત કરશે.
વાઇબ્રન્ટ સમિટમાં ઇન્ડસ્ટ્રી ૪.૦, ટેકનોલોજી અને ઇનોવેશન, સસ્ટેઇનેબલ મેન્યુફેક્ચરિંગ, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક મોબિલિટી અને રિન્યૂએબલ એનર્જી તથા સસ્ટેઇનેબિલિટી તરફ ટ્રાન્ઝિશન જેવા વૈશ્વિક સ્તરે પ્રસ્તુત વિષયો પર સેમિનાર અને કોન્ફરન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં કંપનીઓ વર્લ્ડ ક્લાસ સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજીમાંથી બનેલી પ્રોડકટનું પ્રદર્શન કરશે. ઇ-મોબિલિટી, સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઇ, બ્લૂ ઇકોનોમી, ગ્રીન એનર્જી અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કેટલાક સેન્ટર્સ સેક્ટર્સ ટ્રેડ શોમાં સામેલ છે.
આ વર્ષની સમિટ માટે ૩૪ ભાગીદાર દેશો અને ૧૬ ભાગીદાર સંગઠનો છે. ઉપરાંત પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય વાયબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્રોમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે કરશે.