આજથી ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજથી ૧૦ જાન્યુઆરી સુધી ગુજરાતના કયા જિલ્લામાં માવઠાનો મારો રહેવાનો છે તેની વિગતવાર માહિતી જાણો.

આજના દિવસની વાત કરીએ તો ૮ જાન્યુઆરીએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, દાહોદ, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીરસોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો હળવો વરસાદ થઈ શકે છે. એટલે આજના દિવસે ગુજરાતના કુલ ૩૩ જિલ્લામાંથી ૧૩ જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે.

૯ જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સાત જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ પડી શકે છે. ૧૦ જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ રહી શકે છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હવાનો ટ્રફ અરબ સાગરમાં બન્યો છે જેના કારણે જ ગુજરાતના અનેક જિલ્લામાં માવઠું રહી શકે છે.