ઉદ્ધવ જૂથને મોટો ઝટકો, એકનાથ શિંદેના પક્ષમાં આવ્યો ચુકાદો

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથના ધારાસભ્યો વિરૂદ્ધ અયોગ્યતા મામલે ચુકાદો આવી ચૂક્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર આજે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં ઉદ્ધવ જૂથને ઝટકો લાગ્યો છે અને શિંદે જૂથને રાહત મળી છે.  શિંદે જૂથના ધારાસભ્યોને અયોગ્ય ન માન્યા અને ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી ફગાવી દીધી છે. ધારાસભ્યોની અયોગ્યતા મામલે પોતાનો ચુકાદો સંભળાવતા મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે, ‘બહુમતીનો નિર્ણય લાગૂ હોવો જોઈતો હતો’

સ્પીકરે કહ્યું કે, ‘એકનાથ શિંદેને હટાવવાનો પાવર ઉદ્ધવ ઠાકરે પાસે ન હતો. શિવસેના પ્રમુખની પાસે પાર્ટીના કોઈ પણ નેતાને હટાવવાનો અધિકાર નથી. એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાનો સ્વીકાર ન કરી શકાય.’

સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે, ‘૧૯૯૯ ના બંધારણને ધ્યાનમાં રાખવું પડશે, કારણ કે ૨૦૧૮ નું બંધારણ ECI પહેલા ન હતું. સ્પીકરે સુપ્રીમ કોર્ટ બતાવાયેલા સોગંદનામા પર વિચાર કર્યો અને પાર્ટીઓ દ્વારા અપાયેલા તર્કો પર ભરોસો કર્યો છે. ECIએ પહેલા બંધારણ પર વિચાર કરવો પડશે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું અને એટલા માટે તેની માંગ કરાઈ હતી.’

વધુમાં સ્પીકરે કહ્યું કે, ECના રેકોર્ડમાં શિંદે જૂથ અસલી પાર્ટી છે. મેં ECના નિર્ણયને પોતાના ધ્યાનમાં રાખ્યો. ૨૦૧૮ નું બંધારણમાં સંશોધન રેકોર્ડમાં નથી. ઉદ્ધવ જૂથે ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. હું ECના નિર્ણયની બહાર ન જઈ શકું. ૨૦૧૮ બાદ શિવસેનામાં ચૂંટણી નથી થઈ.

સ્પીકરે કહ્યું કે, ‘ચૂકાદા પહેલા ત્રણ વસ્તુઓ સમજવી જરૂરી છે. પહેલું એ કે પાર્ટીનું બંધારણ શું કહે છે. બીજું નેતૃત્વ કોની પાસે હતું અને ત્રીજું કે વિધાનસભામાં બહુમતી કોની પાસે હતી. રાષ્ટ્રીય કાર્યકારિણીનો નિ્રણય જ સર્વમાન્ય હોય છે. રાષ્ટ્રીય કાર્યકારિણી સૌથી મોટી સંસ્થા હોય છે. ઉદ્ધવ જૂથની દલીલમાં દમ નથી. શિંદેને પદથી ન હટાવી શકાય. શિવસેના અધ્યક્ષને શક્તિ નથી. બંને જૂથ અસલી શિવસેનાનો દાવો કરી રહ્યા છે.’

ઉલ્લેખનીય છે કે, અંદાજિત ૧૮ મહિના પહેલા શિંદે સહિત ૩૯ ધારાસભ્યોએ તત્કાલિન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ બળવો કર્યો હતો, જેના કારણે ૫૭ વર્ષ જૂની પાર્ટી શિવસેનામાં વિભાજન થઈ ચૂક્યું હતું અને મહાવિકાસ અઘાડી સરકાર પડી ભાંગી હતી. આ ઘટના બાદ બંને જૂથોએ એક-બીજાના ધારાસભ્યોને અયોગ્ય ગણાવવાની માંગ કરતા અરજી દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *