અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે, ઉત્તર પ્રદેશ સરકાર પણ આ કાર્યક્રમને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડી નથી રહી.
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી જોરશોરથી થઈ રહી છે અને અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ સંદેશ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠના મહોત્સવને ૧૧ દિવસ જ બાકી છે ત્યારે હવે રામ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમજ ઉત્તર પ્રદેશ સરકાર પણ આ કાર્યક્રમને ભવ્ય બનાવવામાં કોઈ કસર છોડી નથી રહી.
અયોધ્યામાં ૨૨મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે માત્ર ૧૧ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર એક ખાસ સંદેશ આપતા કહ્યું કે ભગવાને મને રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભારતના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો છે ત્યારે આને ધ્યાનમાં રાખીને હું આજથી ૧૧ દિવસની વિશેષ વિધિ શરુ કરી રહ્યો છું અને હું તમામ લોકો પાસેથી આશીર્વાદ માંગું છું. તેમણે વધમાં કહ્યું કે આ સમયે તમારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ મુશ્કેલ છે પરંતુ મે મારા તરફથી એક પ્રયાસ કર્યો છે. હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેટલાક નિર્દેશો પણ જાહેર કરવામાં આવ્યા
ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ IAS દુર્ગા શંકર મિશ્રાએ ૨૨ જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અધિકારીઓને મુખ્ય કાર્યક્રમ અને સમારોહની તૈયારીને લઈને વિશેષ સૂચનાઓ જાહેર કરી છે. ૨૦ થી ૨૨ જાન્યુઆરી વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમના માટે જ અયોધ્યા આવવાની વ્યવસ્થા કરવામાં આવશે.
જાહેર કરીલા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે.
– ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રહેશે
– ૧૬ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી એક સપ્તાહ માટે રાજ્યના દરેક મંદિરોમાં રામ સંકીર્તનનું આયોજન કરવું
– ૨૨ જાન્યુઆરીએ સાંજે દરેક ઘર, ઘાટ કે મંદિરમાં દીપોત્સવનો કાર્યક્રમ યોજવો
– તમામ સરકારી ઈમારતો, શાળાઓ/કોલેજોને પણ શણગારવી
– ૨૨ જાન્યુઆરીએ સાંજે સરયૂ નદીના ઘટ પર દીપોત્સવ કાર્યક્રમ સાથે ઇકો ફ્રેન્ડલી આતશબાજીની વ્યવસ્થા
કાર્યક્રમ લાઈવ જોવા માટે અયોધ્યામાં ૫૦ વધારાની સ્ક્રીન/ડિજિટલ બોર્ડની વ્યવસ્થા કરવી
– સમગ્ર રાજ્યના મંદિરોમાં સ્ક્રીન લગાવીને કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવું
– ૧૪ થી ૨૧ જાન્યુઆરી વચ્ચે શહેરી વિકાસ અને પંચાયતી રાજ વિભાગ દ્વારા તમામ શહેરો અને ગામડાઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવું
– ૧૪ જાન્યુઆરીના રોજ તમામ જિલ્લા મથકો પર વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ
– ૧૪મી જાન્યુઆરીથી ૨૧મી જાન્યુઆરી દરમિયાન રાજ્યની તમામ કચેરીઓમાં વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું રહેશે
– ૨૨ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન રાજ્યની તમામ કચેરીઓમાં વિશેષ લાઇટિંગની વ્યવસ્થા કરવાની રહેશે
આ સિવાય અયોધ્યામાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ મુખ્ય સચિવે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. જેમાં સીસીટીવી દ્વારા દેખરેખની સાથે એઆઈ આધારિત કેમેરા દ્વારા પણ મોનિટરિંગ કરવાની વાત પણ કરવામાં આવી છે.
– ITMS (Integrated Traffic Management System) ના સીસીટીવી, પોલસના સીસીટીવી અને પબ્લિક સીસીટીવી દ્વારા દેખરેખ રાખવી
– પબ્લિક સીસીટીવીના ૧૫૦૦ કેમેરા ITMS સાથે ઇન્ટીગ્રેટ કરવામાં આવશે
– અયોધ્યાના યલો ઝોનમાં ૧૦,૭૧૫ જગ્યાઓ પર ફેસ રેકગ્નિશન સાથે AI કેમેરાથી નજર રાખવામાં આવશે
– NDRF/SDRF ટીમો તૈનાત કરવામાં આવશે. તેમજ SDRF ટીમ બોટ પેટ્રોલિંગ કરશે
– નાવિકોને લાઈફ જેકેટ અને આઈડી કાર્ડ ઈશ્યુ કરવા જોઈએ, તેમજ કોઈપણ પ્રકારના નશા પર પ્રતિબંધ રહેશે
– ૨૦ જાન્યુઆરી સુધી ૦૪ ક્રુઝ બોટની વ્યવસ્થા કરવામાં આવશે
– ૨૭ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી અયોધ્યા રેલ્વે સ્ટેશન પર રેલ્વે પ્રોટેક્શન ફોર્સની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
– તમામ ટેન્ટ સિટીમાં ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવશે
– આખા શહેરમાં પોલીસ ફોર્સ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. બહારના લોકોનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ
– એન્ટી-ડ્રોન સિસ્ટમ અને SSF સુનિશ્ચિત કરવામાં આવશે
– ૨૦ થી ૨૨ જાન્યુઆરીની વચ્ચે ફક્ત તે લોકોને જ અયોધ્યા આવવાની મંજૂરી આપવામાં આવશે, જેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ૨૨ જાન્યુઆરી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે
– આ માટે રોડ અને ટ્રેન બંને બાબતે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ
– ટેન્ટ સિટીમાં ૧૦ બેડવાળી પ્રાથમિક હોસ્પિટલની વ્યવસ્થા કરીને અને તેમાં સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે
સિટી બસ સેવા શરૂ કરવાના નિર્દેશ
મુખ્ય સચિવે ૧૪ જાન્યુઆરીથી અયોધ્યામાં સિટી બસ સેવા શરૂ કરવાના નિર્દેશ આપ્યા છે. દસ હજાર મહેમાનોને કાર્યક્રમ સ્થળ પર લઈ જવા માટે ૨૦૦ ઈ-બસ, ગોલ્ફ કાર્ટ અને પિંક ઓટોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ૨૦૦ વાહનો પણ લગાવવામાં આવશે. પરિવહન વિભાગની ૧૦૩૩ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.