ભારત અને માલદીવ વિવાદ વચ્ચે માલદીવની જનતા જ ત્રાહિમામ

માલદીવિયન નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કહ્યું કે, ભારત તરફથી બહિષ્કારની હાકલથી અમે નિરાશ છીએ પરંતુ અમે અમારી સરકારથી વધુ નિરાશ છીએ.

ભારત અને  વચ્ચેના સંબંધો અત્યારે ખૂબ જ ખરાબ થઈ રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ બીજું કોઈ નહીં પણ પ્રમુખ મોહમ્મદ મુઇજ્જૂ પોતે છે. મોહમ્મદ મુઇજ્જૂએ ચૂંટણી પ્રચાર દરમિયાન ખુલ્લેઆમ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. હવે જ્યારે મુઇજ્જૂ સત્તામાં આવ્યા છે ત્યારે તેમના મંત્રીઓ અને પાર્ટીના નેતાઓ બેકાબૂ બની ગયા છે. દાયકાઓથી સાચો મિત્ર દેશ ભારત હવે માલદીવના શાસકોના નિશાના પર છે. વાત જાણે એમ છે કે, તાજેતરમાં વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના એક બીચ પર પોતાનો બનાવેલો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પછી માલદીવના મંત્રીઓ અને અન્ય કેટલાક લોકોએ તેમના માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, જેના પછી સોશિયલ મીડિયા પર વિવાદ થયો.આ સમગ્ર વિવાદમાં સૌથી વધુ નુકસાન માલદીવને થવાનું છે.

નોંધનિય છે કે, તેમાં કોઈ શંકા નથી કે પર્યટનની દ્રષ્ટિએ માલદીવ વિકસિત દેશ છે. પરંતુ આ સુંદર પર્યટન સ્થળ હવે ભારતીય પ્રવાસીઓ દ્વારા બહિષ્કારની ધમકીનો સામનો કરી રહ્યું છે, જેનાથી તેની અર્થવ્યવસ્થાનો મુખ્ય સ્ત્રોત જોખમમાં મુકાયો છે. ગયા વર્ષે ભારતીય પ્રવાસીઓ રાષ્ટ્રીયતા દ્વારા માલદીવની મુલાકાત લેનારા સૌથી મોટા જૂથ હતા. એટલે કે કોઈપણ દેશમાંથી માલદીવ આવતા પ્રવાસીઓમાં ભારતીયો સૌથી મોટા અને નંબર વન હતા. માલદીવની પ્રવાસન આધારિત અર્થવ્યવસ્થામાં ભારતીયો નોંધપાત્ર યોગદાન આપે છે. 

ભારત-માલદીવ તણાવ હજી વધશે ? 

માલદીવ ભારતની ૧૪૦ કરોડની સરખામણીમાં ૫૨૦,૦૦૦ ની વસ્તી ધરાવતું નાનું ટાપુ રાષ્ટ્ર છે. તે ખોરાક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકી પ્રગતિ જેવી આવશ્યક વસ્તુઓ માટે તેના વિશાળ પાડોશી ભારત પર ખૂબ નિર્ભર છે. માલદીવિયનોએ આશંકા વ્યક્ત કરી છે કે, રાજદ્વારી વિવાદ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ વણસશે. વિવાદ સ્પષ્ટપણે સ્થાનિક લોકોમાં નિરાશા દર્શાવે છે. તેઓ માત્ર ભારત દ્વારા સંભવિત બહિષ્કારથી ડરતા નથી પરંતુ તેમની પોતાની સરકારને પણ નિશાન બનાવી રહ્યા છે. માલદીવિયન નેશનલ યુનિવર્સિટીના વિદ્યાર્થી મરિયમ ઈમ શફીગે કહ્યું કે, ભારત તરફથી બહિષ્કારની હાકલથી અમે નિરાશ છીએ. પરંતુ અમે અમારી સરકારથી વધુ નિરાશ છીએ. અમારા અધિકારીઓ તરફથી સારા નિર્ણયોનો અભાવ હતો.

ખોરાક, શિક્ષણ અને આરોગ્ય માટે ભારત પર નિર્ભર

શફીગ જે માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીનો ભાગ છે, જે તેની “ભારત પ્રથમ” નીતિ માટે જાણીતી છે તે કહે છે કે, તેમનો દેશ ખોરાક, શિક્ષણ અને આરોગ્ય સંભાળ માટે પણ ભારત પર નિર્ભર છે. રાજદ્વારી અણબનાવ માલદીવ માટે આર્થિક જોખમ ઊભું કરી શકે છે. આ સિવાય સાંસ્કૃતિક, આર્થિક અને ભૌગોલિક રાજકીય સંબંધો પર પણ તેની ઊંડી અસર થવાની શક્યતા છે. ભારત એક વ્યૂહાત્મક સાથી છે, તેના ટાપુઓ પર લશ્કરી કર્મચારીઓ અને હેલિકોપ્ટર તૈનાત છે. જોકે ચીન તરફી ગણાતા મુઇજ્જૂ નવેમ્બરમાં ચૂંટાયા ત્યારથી સંબંધો બગડ્યા છે.

શું કહી રહ્યા છે આંકડાઓ ?

માલદીવ તેના માલની આયાત માટે વિવિધ દેશો પર નિર્ભર છે. ૨૦૨૨ માં ભારત તેનો બીજો સૌથી મોટો ફાળો આપનાર દેશ હતો. જે દેશની કુલ આયાતના ૧૪ % કરતા વધુ હતી એટલે કે માલદીવ તેની જરૂરિયાતના ૧૪ % ભારતમાંથી આયાત કરે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના ડેટા અનુસાર માલદીવમાં ભારતની નિકાસ ૨૦૧૪ માં $ ૧૭૦.૫૯ મિલિયનથી વધીને ૨૦૨૨ માં $ ૪૯૬.૪૨ મિલિયન થવાની ધારણા છે. ૨૦૨૨ માં ભારતમાંથી આયાતમાં ૫૬ % ની વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ચીન બંને માલદીવના આયાત બજારમાં પોતાની છાપ બનાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે .IMFના ડેટા અનુસાર ભારતે માલદીવમાં નિકાસમાં સતત વૃદ્ધિ દર્શાવી છે. માલદીવની કુલ આયાતમાં ભારતનો હિસ્સો ૨૦૧૪ માં ૮.૫૫ % થી વધીને ૨૦૨૨ માં ૧૪.૧૨ % થયો છે. ચીનનો હિસ્સો ઘણા વર્ષોથી ભારત કરતા વધારે છે, પરંતુ ૨૦૨૨ માં તે ઓછો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *