મણિપુરના થૌબલ જિલ્લાથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી.
મણિપુરથી આજે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ અવસર પર યાત્રાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે ‘આજ સુધી દેશના વડાપ્રધાનને મણિપુર જવાનો સમય મળ્યો નથી. મોદીજી, ભાજપ અને આરએસએસ માટે કદાચ મણિપુર ભારતનો ભાગ નથી.’
રાહુલ ગાંધીએ માફી માંગી
મણિપુરમાં કોંગ્રેસના નેતાઓની ફ્લાઇટ મોડી પડી હતી જેના માટે રાહુલ ગાંધીએ માફી માંગી હતી. ભારત જોડો ન્યાય યાત્રાના પ્રારંભ પ્રસંગે રાહુલ ગાંધીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે ‘૨૯ જૂન બાદ મણિપુરમાં શાસનનું પાયાનું માળખું ભાંગી પડ્યું છે. આખા રાજ્યમાં નફરત ફેલાઈ છે. અમે નફરતને ખતમ કરવાની અને ભારતને એક સાથે બાંધવાની વાત કરી છે.’
મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ થઈ
મણિપુરના થૌબલ જિલ્લાથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લીલી ઝંડી બતાવીને ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં સલમાન ખુર્શીદ, રાજીવ શુક્લા, આનંદ શર્મા, રણદીપ સિંહ સુરજેવાલા, અશોક ગેહલોત, અભિષેક મનુ સિંઘવી, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, સચિન પાયલટ, દિગ્વિજય સિંહ, પ્રમોદ તિવારી સહિત લગભગ ૭૦ લોકોએ હાજર રહ્યા હતા.
ભારત જોડો ન્યાય યાત્રાનો રુટ
ભારત જોડો ન્યાય યાત્રા ૬૭ દિવસ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ૬૭૧૩ કિલોમીટરનું અંતર કાપી ૨૦ માર્ચે આ યાત્રા મુંબઈમાં સમાપ્ત થશે. આ દરમિયાન ૧૫ રાજ્યોના ૧૧૦ જિલ્લાને આવરી લેવાશે.