ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરી શાહ નું મુંબઈ ની એક હોસ્પિટલમાં ૬૮ વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ નિધન થયું છે, અમિત શાહના ગુજરાતના કાર્યક્રમ રદ થયા, તેઓ મુંબઈ જશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેન રાજેશ્વરીબેનનું સોમવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. રાજુબેનનું થોડા મહિના પહેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને ત્યાર બાદ તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ ઘટના બાદ અમિત શાહે ગુજરાતમાં યોજાનાર બે જાહેર કાર્યક્રમો રદ કર્યા હતા.
બીજેપીના એક નેતાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે અમિત શાહે તેમની મોટી બહેનના નિધન બાદ તેમના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. અમિત શાહ આજે ગુજરાતમાં બે જાહેર કાર્યક્રમમાં હાજરી આપવાના હતા.
અમિત શાહનો એક કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં બનાસ ડેરીમાં અને બીજો ગાંધીનગરની નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં હતો. અમિત શાહ બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ અને ઉત્પાદનોનું લોકાર્પણ કરવાના હતા અને જાહેર રેલીને સંબોધિત કરવાના હતા.
બનાસકાંઠા કાર્યક્રમમાં હાજર રહેલા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે શાહ તેમની મોટી બહેનના અવસાનને કારણે આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નથી.
અમિત શાહના મોટા બહેન કોણ છે
ગૃહમંત્રી અમિત શાહના મોટા બહેનનું નામ રાજેશ્વરીબેન પ્રદિપ શાહ છે, જેઓ ૬૮ વર્ષિય ઉંમરે લાંબી માંદગી બાદ અવસાન પામ્યા છે. અમિત શાહના બહેન મુંબઈ રહે છે, અને ત્યાં જ એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે.
તમને જણાવી દઈએ કે, અમિત શાહ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા શહેરના વતની છે, તેઓ હાલમાં ગુજરાતમાં જ હતા, ત્યારે તેમને મોટી બહેનના અવસાનના સમાચાર મળ્યા. આ સમાચાર બાદ શાહ પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો, અમિત શાહ બહેનના અંતિમ સંસ્કાર માટે મુંબઈ જશે.