સરયૂ નદીમાં લગાવી આસ્થાની ડુબકી, ભાજપ પર કર્યા પ્રહાર.
ઉત્તરપ્રદેશના કોંગ્રેસના નેતાઓ સોમવારે મકરસંક્રાંતિના અવસરે અયોધ્યામાં રામલલાના દ્વારે પહોંચ્યા. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ સરયૂ નદીમાં સ્નાન કર્યું અને ભગવાનને આસ્થાના પ્રતીક ગણાવ્યા. ઉત્તરપ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે પાર્ટી નેતાઓ અવિનાશ પાંડે, દીપેન્દ્ર હુડ્ડા, અખિલેશ પ્રતાપ સિંહ સહિતના નેતાઓએ અયોધ્યામાં સરયૂ નદીમાં પવિત્ર ડુબકી લગાવી.
કોંગ્રેસ નેતા દીપેન્દર સિંહ હુડ્ડાએ કહ્યું કે, ‘ભગવાન રામ અમારી આસ્થાના પ્રતીક છે. અમારું માનવું છે કે રામ સૌના છે, ભગવાન રામ દરેક વ્યક્તિમાં છે. આ પહેલીવાર નથી જ્યારે હું અયોધ્યા આવ્યો છું. હું એક વર્ષ પહેલા રામલલાની પૂજા કરવા માટે અહીં આવ્યો હતો.’
અયોધ્યા પ્રવાસ પર કોંગ્રેસ નેતા અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત પણ પહોંચ્યા. અહીં તેમણે ભાજપ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘અમે રામલલાના દર્શન માટે આવ્યા છીએ. તેને ‘રાજનીતિક’ કહેવું ભાજપની ભૂલ છે. સાચું તો એ છે કે ભાજપ ધર્મના નામ પર રાજનીતિ કરી રહી છે.’
ત્યારે, અવિનાશ પાંડેએ કહ્યું કે, ‘અમે મકરસંક્રાંતિ પર ભગવાન રામના દર્શન કરશે અને પવિત્ર સ્નાન કરશે.’
બીજી તરફ કોંગ્રેસ પ્રતિનિધિમંડળના અયોધ્યા પ્રવાસ પર ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે, ‘મને કોઈના પણ અયોધ્યા ધામ જવા પર કોઈ તકલીફ નથી. લોકો આજે કોંગ્રેસનું બેવડું ચરિત્ર જોઈ રહ્યા છે. એક તરફ તેમણે આમંત્રણનો અસ્વીકાર કર્યો અને બીજી તરફ તેમણે રામ મંદિર માટે એક પ્રતિનિધિમંડળ મોકલ્યું છે.’