પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી આંધ્રપ્રદેશ અને કેરળની બે દિવસીય મુલાકાતે જશે. તેઓ આંધ્રપ્રદેશમાં નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ નાર્કોટીક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે અને ભારતીય મહેસૂલ સેવાની ૭૪ મી અને ૭૫ મી બેચના અધિકારી તાલીમાર્થીઓ અને ભૂતાનની રોયલ સિવિલ સર્વિસના અધિકારી તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કોચી પહોંચશે અને એર્નાકુલમ જતાં મહારાજા કોલેજ ગ્રાઉન્ડથી સરકારી ગેસ્ટ હાઉસ સુધી રોડ શો કરશે. આવતીકાલે સવારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થ્રિસુર જિલ્લામાં ગુરુવાયૂર મંદિર અને ત્રિપ્રયાર શ્રી રામાસામી મંદિરમાં પૂજા અને દર્શન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોચીના વિલિંગ્ડન આઇલેન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ૪૦૦૦ કરોડ રૂપિયાથી વધુના ત્રણ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ નવી ડ્રાય ડોક સુવિધા, કોચીન શિપયાર્ડની ઇન્ટરનેશનલ શિપ રિપેર સુવિધા અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે, જે બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રને મોટો પ્રોત્સાહન આપશે.
બાદમાં, તેઓ નવી દિલ્હી પરત ફરતા પહેલા શહેરમાં મરીન ડ્રાઇવ ખાતે ભાજપ શક્તિ કેન્દ્રના પ્રભારીઓની બેઠકને સંબોધશે.