લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં તેમનાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે. આગામી સમયમાં હજુ પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ શકે છે.
લોકસભા ૨૦૨૪ ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૪૦૦ પ્લસનાં લક્ષ્યાંક સાથે ચૂંટણીની તડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. તો બીજી તરફ ઈન્ડિયા ગઠબંધનમાં હજુ સીટોની વહેંચણીને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં ભરૂચ લોકસભા સીટ પરથી આદિવાસી નેતા ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધો છે. વધુ એક પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે.
૨૧૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે પૂર્વ ધારાસભ્ય
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ બાદ આપને ઝટકો લાગ્યો છે. વિસાવદરનાં પૂર્વ ધારાસભ્ય આગામી ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ૩ ફેબ્રુઆરીનાં રોજ સત્તાવાર રીતે પૂર્વ ધારાસભ્ય કેસરિયો ખેસ ધારણ કરશે. વર્ષ ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તાજેતરમાં ભૂપત ભાયાણીએ આપ ના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. ગઈકાલે ૨૧૦૦ જેટલા કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાયા હતા.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલનાં સુર બદલાયા હતા
તાજેતરમાં જ ખંભાત વિધાનસભા બેઠકનાં કોંગ્રેસનાં ધારાસભ્યએ રાજીનામું આપી દીધું હતું. તે પહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય દ્વારા પણ રાજીનામું આપી વિધિવત કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ચિરાગ પટેલનાં સૂર બદલાયા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓને ઉચકીને ખુરશીમાં બેસાડવા પડે છે અને કોંગ્રેસને ઉઘરાણા સિવાય કશુ જ આવડતુ નથી. ‘ડોનેટ ફોર દેશ’ અભિયાનના ચિરાગ પટેલે લીરા ઉડાવ્યા છે. કોંગ્રેસના નેતાઓ AC હોલમાં બેસીને પક્ષ ચલાવે છે તેમજ કોંગ્રેસમાં ધારાસભ્યો ગૂંગળાઈ રહ્યા છે. કોંગ્રેસમાં બોલવાનું કંઈક અને કરવાનું કંઈ તેવી સ્થિતિ છે. કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ છે. ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ દિલ્લીથી ઓપરેટ થાય છે.