રામ મંદિરમાં ભક્તોની ભીડ વચ્ચે મોકલવા પડ્યા ATS કમાન્ડો

ગઈકાલે પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લુ મુકાતા ભારે ભીડ ઉમટી, ભીડ વધતા એટીએસ અને આરએએફના જવાનોને તુરંત રામલલા મંદિર મોકલાયા.


અયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે રામલલા બિરાજમાન થયા બાદ મોડી રાતથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. ઉદઘાટન બાદ પ્રથમ દિવસે જ મંદિર ખીચોખીચ ભરાઈ ગયું છે, ત્યાં પોલીસ કર્મચારીઓ પણ હાજર છે, જોકે હજુ પણ ભક્તોનો ધસારો વધતાં ત્યાં ATS અને RAFના જવાનોને રામલલા મંદિર જવા મોકલાયા છે. શ્રદ્ધાળુઓની આડમાં કોઈ ગરબડ ન થાય તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે એટીએસ અને આરએએફની ટીમને ચેકિંગ અને સુરક્ષા મામલે મંદિરની અંદર મોકલાયા છે. રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા બાદ મોડી રાતથી જ ભક્તોની જનમેદની ઉમટી રહી છે.

શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા અપીલ

રામલલાના દર્શન કરવા આજે ભારે ભીડ ઉમટી હતી, જેને ધ્યાને રાખી તંત્ર દ્વારા મંદિર એક કલાક વહેલું ખોલવાનો નિર્ણય કરાયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. એવી વિગતો પણ સામે આવી હતી કે, ભક્તોના ધસારો વધતાં મંદિર તુરંત બંધ કરવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. મંદિરમાં દિવસમાં ત્રણ વખત આરતી કરવાનું આયોજન કરાયું છે. તેમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ આરતીમાં જ ભારે ભીડ ઉમટી પડી છે. મંદિરમાં આજે  સવારે ૦૬:૩૦ શ્રૃંગાર/જાગરણ આરતી બાદ બપોરે ૧૨:00 કલાકે ભોગ આરતી કરાઈ હતી, જ્યારે સાંજે ૦૭:૩૦ વાગ્યો સંધ્યા આરતી કરવામાં આવશે.

આસપાસના જિલ્લાની પોલીસ અયોધ્યામાં ભીડને નિયંત્રણ કરવા સક્રિય થઈ ગઈ છે. અયોધ્યાથી ૬૦ કિલોમીટર દૂર બારાબંકીમાં પોલીસે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, અયોધ્યા ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી તેઓ અયોધ્યા ન જાય. મંદિર તરફના તમામ રૂટો બદલવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *