અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાની ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ વિશ્વભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. રામ મંદિર અંગે નેપાળ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને ઈઝરાયલ સહિત ઘણા દેશોની પ્રતિક્રિયા આવી છે. રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હતા. તેમણે વિધિ-વિધાનથી અનુષ્ઠાનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે. પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન શ્રી રામલલાની મૂર્તિનું પણ અનાવરણ કરાયું છે. સમારોહ બાદ વડાપ્રધાને રામલલાની મૂર્તિની આરતી ઉતારી હતી. રામ ઉત્સવની વિશ્વભરે નોંધ લીધી છે. ઘણાં દેશોમાં ભારતીયો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉત્સવ ઉજવાયો છે, તો વિદેશી મીડિયામાં પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છવાયો છે.
નેપાળના ભારતને ‘જય શ્રીરામ’
નેપાળ ભગવાન રામનું સાસરું પણ છે. નેપાળના વિદેશ મંત્રી એન.પી.સઉદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ લખ્યું છે કે, ‘જય શ્રીરામ. ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરનું ઉદઘાટન તેમજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થવો એ સનાતન ધર્મના તમામ લોકો માટે ગૌરવની ક્ષણ છે. મર્યાદા પુરુષોત્તમ રામ અને નેપાળની પુત્રી માતા સીતા સાહસ, ત્યાગ અને ધાર્મિકતાના પ્રતિક હતા. બંને ભારત-નેપાળ વચ્ચેની ગાઢ સંસ્કૃતિ અને સભ્યતા જોડાણનું પ્રતિક છે. તેમના ગુણ અને આદર્શ માનવતાની સેવા માટે આપણને હંમેશા પ્રેરિત કરતા રહે.’
આ ઐતિહાસિક જગ્યા ઈ.સ.૪૮ થી જ ખુબ મહત્વ ધરાવે છે : દક્ષિણ કોરિયા
ભારત સ્થિત દક્ષિણ કોરિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે, ‘અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા સમારોહ બદલ અભિનંદન. આ ઐતિહાસિક જગ્યા ઈ.સ.૪૮ થી જ રાની શ્રીરત્ના (હીઓ હ્વાંગ-ઓકે) અને ગયા (કોરિયા)ના રાજા કિમ સુરો વચ્ચેના વૈવાહિક સંબંધના આધારે ભારત-કોરિયા સંબંધો માટે એક મહત્વપૂર્ણ પ્રતીકાત્મક મહત્વ ધરાવે છે.’
વિશ્વભરના ભક્તો માટે આ ઐતિહાસિક ક્ષણ : ઈઝરાયેલ
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને એક્સ પર લખ્યું છે કે, ‘રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આ શુભ અવસર પર ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. વિશ્વભરના ભક્તો માટે આ ઐતિહાસિક ક્ષણ છે. હું અયોધ્યામાં રામ મંદિરના વહેલીતકે દર્શન કરવા ઉત્સુક છું. તે મેં જે જોયું છે, તેનાથી પણ વધુ ભવ્ય અને સુંદર હશે.’
૫૦૦ વર્ષ બાદ મંદિરનું નિર્માણ શક્ય બન્યું : ન્યુઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડના નિયમન મંત્રી ડેવિડ સેમોરે અભિનંદન પાઠવતા કહ્યું કે, ‘હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતના તમામ લોકોને અભિનંદન પાઠવું છું. આ મંદિરનું નિર્માણ ૫૦૦ વર્ષ પછી શક્ય બન્યું છે. હું રામ મંદિરની દર્શન કરી ધન્યતા અનુભવીશ.’
રામ મંદિરના ઉદઘાટનથી પાકિસ્તાનને ઝટકો
બાબરી મસ્જિદ વિધ્વંસની જગ્યા પર રામ મંદિરના ઉદઘાટનની કડક નિંદા કરી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘૧૯૯૨ ની છઠ્ઠી ડિસેમ્બરે ભીડે દાયકાઓ જૂની મસ્જિદને ધ્વસ્ત કરી દીધી હતી. ભારતની સૌથી મોટી અદાલત દ્વારા આ કેસનાં જવાબદાર લોકોને નિર્દોષ છોડી મૂકવા તેમજ તે જ સ્થળ પર રામ મંદિર બનાવવાની મંજૂરી આપવી નિંદા પાત્ર છે.’