બંને ટોચના નેતાઓ વચ્ચે અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોં વચ્ચે હિન્દ-પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ વધારવા, રેડ સીમાં સંકટની સ્થિતિ, ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ તથા યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષ વિશે ચર્ચા કરવામાં આવી શકે છે.
બંને ટોચના નેતાઓ જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધી એક સંયુક્ત રોડ શૉ પણ કરશે અને હવા મહેલ ખાતે રોકાશે. અહીં એક ફોટો સેશન થશે. ત્યારબાદ બંને નેતાઓ ઐતિહાસિક આલ્બર્ટ હોલ મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે. દિવસના અંતે રામબાગ પેલેસમાં પીએમ મોદી મેક્રોં માટે એક પર્સનલ ડીનરની મેજબાની કરશે.
દિલ્હીમાં મેક્રોં કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે જોડાશે. ફ્રાન્સની સૈન્ય ટુકડી પણ આ પ્રજાસત્તાક પરેડમાં ભાગ લઈ રહી છે. આ સાથે ફ્રાન્સની વાયુસેનાના બે રાફેલ ફાઈટર જેટ અને એક એરબસ A૩૩૦ મલ્ટી રોલ ટેન્કર પરિવહન વિમાન પણ સમારોહમાં ભાગ લેશે. મેક્રોં પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેનારા છઠ્ઠાં ફ્રાંસીસી નેતા હશે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ તથા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક ડીલ થવાની શક્યતા છે.