ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટસિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ યોજાશે

ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટસિટી ખાતે ફિલ્મફેર એવોર્ડ ૨૦૨૪ યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારો ગુજરાતના મહેમાન બનશે અને ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેશે. ગુજરાત પ્રવાસન વિભાગના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઇવેન્ટની શરૂઆત આજરોજ મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરથી થશે, જેમાં ગુજરાત ટુરિઝમની કર્ટેન રેઝર સેરેમની થશે. તેમાં ટેકનિકલ એવોર્ડ જીતનારા કલાકરોને ફિલ્મ ફેર એવોર્ડથી સન્માનિત કરાશે. આ સાંજની સેરેમનીને કરિશ્મા તન્ના અને અપારશક્તિ ખુરાના હોસ્ટ કરશે. સાંજના સમયે શાંતનુ અને નિખિલના કલેક્શનનો ફેશન શો યોજાશે. ત્યારબાદ પાર્થિવ ગોહિલની મ્યૂઝિક કોન્સર્ટની જમાવટ માણવા મળશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, પ્રતિષ્ઠિત ૬૯મા ફિલ્મફેર એવોર્ડ્સ માટે ફિલ્મમેકર્સને આવકારવા ગુજરાતમાં તૈયારી ચાલી રહી છે. તેનાથી ટુરિઝમ અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર સારી અસર પડશે. આ ભવ્ય આયોજન ગુજરાતમાં પ્રતિભાશાળી કલાકારો અને ફિલ્મ નિર્માતાઓને ભારતીય ફ઼િલ્મ ઉધોગ સાથે જોડાવામાં, વિચારો અને ટેકનોલોજીના આદાન-પ્રદાનમાં પ્રોત્સાહન આપવા મહત્ત્વનો મંચ સાબિત થશે. અમે ગુજરાતની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને મજબૂત માળખા સાથે ફિલ્મ ટુરિઝમ નીતિ અને ગુજરાત ટુરિઝમ પોલિસીને દુનિયા સમક્ષ રજૂ કરવા ઉત્સાહિત છીએ. આ આયોજનના માધ્યમથી ભવિષ્યમાં વિવિધ પ્રોજેક્ટ અને રોકાણને આકર્ષિત કરતા મહત્ત્વના ફિલ્મ ડેસ્ટિનેશન બનવાની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *