બિહારમાં લાલુ પ્રસાદ યાદવ પરિવારની મુશ્કેલી વધી છે. જોબ ફોર સ્કેમ કૌભાંડમાં ઈડીએ રાબડી દેવી અને મીસા ભારતીને ૯ ફેબ્રુઆરીએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ દીકરા તેજસ્વીના હાથમાંથી ડેપ્યુટી સીએમની ખુરશી જતી જોવા મળી રહી છે તો બીજી તરફ લાલુ યાદવની પત્ની અને દીકરીને કોર્ટે સમન મોકલ્યું છે. દિલ્હીની રાજ એવન્યુ કોર્ટે રેલવેમાં નોકરી માટે પ્રખ્યાત લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં ઇડીની ચાર્જશીટની નોંધ લીધી છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સુનાવણીની આગામી તારીખ 9 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે. કોર્ટે લાલુ યાદવની પુત્રી અને રાજ્યસભાના સાંસદ મીસા ભારતી અને અન્ય એક પુત્રી હેમા યાદવને પણ હાજર થવા સમન્સ પાઠવ્યું છે.
લાલુ પ્રસાદ યાદવ મનમોહન સિંહ સરકારમાં રેલવે મંત્રી હતા. રેલવેમાં ગ્રુપ ડીની નોકરીઓ આપવામાં આવતી હતી અને તેના બદલામાં નોકરી શોધનારાઓ કે તેમના પરિવાર પાસેથી જમીન લેવામાં આવતી હતી. આ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇડીએ તાજેતરમાં જ રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી હતી, જેમાં ઉદ્યોગપતિ અમિત કાત્યાલ સહિત ૭ લોકો પર આરોપ મૂકવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં લાલુ પ્રસાદની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી, અન્ય એક પુત્રી હેમા યાદવ અને હૃદયાનંદ ચૌધરીનું નામ પણ છે. આ ઉપરાંત ઈડીએ પણ બે કંપનીઓને આરોપી બનાવી છે. ઇડી અને સીબીઆઈ બંને આ કેસની તપાસ કરી રહ્યા છે. ઈડીએ કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરી છે, જ્યારે સીબીઆઈએ ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. ઇડીની ટીમ લાલુ યાદવ અને તેજસ્વી યાદવની પણ પૂછપરછ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમને ઘણી વખત નોટિસ આપવામાં આવી છે.