કચ્છઃ વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા પ્રવાસન થકી લોકો મેળવી રહ્યા છે રોજગારી
કચ્છના ધોળાવીરામાં ૫,૦૦૦ વર્ષ પ્રાચીન હડપ્પન સભ્યતાના અવશેષો જોવા મળે છે. જિલ્લાના ઉત્તર-પૂર્વ છેડે આવેલો ખડીર બેટ અહીં મળેલા હડપ્પન સભ્યતાના અવશેષો થકી વિશ્વવિખ્યાત બન્યો છે. યુનેસ્કો દ્વારા આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો આપવામાં આવેલો છે. જેને જોવા આજે દેશ વિદેશથી લોકો અહીં આવે છે. ત્યારે ગામના ૩૦ થી વધુ લોકો આ પ્રવાસીઓને ધોળાવીરાનું મહત્વ સમજાવતા અહીંના પ્રોફેશનલ ગાઈડ તરીકે સેવા આપી રહ્યા છે. સાથે આસપાસનાં સ્થાનિકો હોમ સ્ટે અને રિસોર્ટ બનાવીને અને પોતાની આગવી કળા વડે પ્રવાસન થકી રોજગારી મેળવી રહ્યા છે.