અભિનેતાની નજીકના સૂત્રોના મતે લોકસભાની ચૂંટણી લડવાને બદલે ૨૦૨૬ ની તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ધ્યાન આપશે.
તમિલનાડુમાં વધુ એક પક્ષનો ઉદય થવા જઇ રહ્યો છે. તમિલ ફિલ્મોના સુપરસ્ટાર થલાપતિ વિજય રાજનીતિમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ માટે તેમણે પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અભિનેતા ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં નવી દિલ્હીમાં પોતાની રાજકીય પાર્ટીની નોંધણી કરવાની યોજના ધરાવે છે. જોકે હજુ સુધી પાર્ટીને કોઇ નામ આપવામાં આવ્યું નથી. સૂત્રોએ મંગળવારે આ વાતનો સંકેત આપ્યો છે.
અભિનેતાની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે અમે પાર્ટીને ચૂંટણી પંચમાં રજિસ્ટર કરવાની પ્રક્રિયામાં છીએ. જે આગામી લોકસભાની ચૂંટણી લડવાને બદલે ૨૦૨૬ ની તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં જીતની સંભવિત શરૂઆતનો તખ્તો તૈયાર કરી રહ્યો છે.
અભિનેતાની રજિસ્ટર્ડ ફેન ક્લબ વિજય મક્કલ ઇયક્કમ છે, જે અનેક સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓમાં સંકળાયેલી છે. તેને પૂર્ણ રાજકીય પક્ષમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. અભિનેતાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર કેરળ અને કર્ણાટકમાં તેમના મજબૂત અને સંગઠિત પ્રશંસકોની સંખ્યાને જોતાં પાર્ટીની પહોંચ તમિલનાડુથી આગળ વધવાની અપેક્ષા છે.
પાર્ટીની રચના હાલમાં સાવચેતીપૂર્વક તૈયારીના તબક્કે છે. અભિનેતાની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે હવે વધુ વહીવટી કાર્ય થઈ રહ્યું છે. ૧૦૦ થી વધુ લોકો પાસેથી આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ અને એફિડેવિટ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેમાં જાહેર કરવામાં આવી રહ્યું છે કે તેઓ કોઈ અન્ય રાજકીય સંગઠન સાથે સંકળાયેલા નથી, જે આવતા અઠવાડિયાની આસપાસ દિલ્હીમાં ચૂંટણી પંચને સુપરત કરવામાં આવશે.
વિજયને તેના પ્રશંસકો થલાપતિના નામથી ઓળખે છે
તમિલનાડુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિજયને તેના પ્રશંસકો થલાપતિના નામથી ઓળખવામાં આવે છે. તેને તમિળ સિનેમામાં આગામી રજનીકાંત તરીકે ગણવામાં આવે છે. લાંબા સમયથી તેમને શરમાળ વ્યક્તિ માનવામાં આવે છે, પરંતુ તેમની છબી તદ્દન વિપરીત છે. જેમાં ઓન એક્શન હીરો અને પર્સનાલિટીનો સમાવેશ થાય છે. રાજકારણમાં પ્રવેશ તેમને એક મહત્વપૂર્ણ સ્થાન આપશે. જે તેમની કારકિર્દીના નવા અધ્યાયનો સંકેત આપે છે.
તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા લોકોની લાંબી યાદી
આ સાથે જ થલાપતિ વિજય તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા લોકોની લાંબી યાદીમાં સામેલ થઈ જશે. જેમાં એમજીઆર તરીકે જાણીતા એમજી રામચંદ્રન, શિવાજી ગણેશન, જયલલિતા, દિવંગત કેપ્ટન વિજયકાંત અને કમલ હાસનનો સમાવેશ થાય છે.
૪૯ વર્ષીય અભિનેતા તમિલનાડુના સરેરાશ રાજકારણી કરતા ઘણો નાનો છે. તેઓ ડીએમકેના ૪૬ વર્ષીય ઉદયનિધિ સ્ટાલિન અને 38 વર્ષીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ કે.અન્નામલાઈ જેવા યુવા રાજકારણીઓના જૂથમાં જોડાશે. આ ગ્રુપમાં સૌથી મોટું નામ ફિલ્મ દિગ્દર્શકમાંથી આક્રમક તમિલ રાષ્ટ્રવાદી બનેલા તમિલર કાચીના ૫૭ વર્ષીય નેતા સીમાન સૌથી મોટા છે.