દારુ કૌભાંડમાં ઈડીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ૫ મું સમન્સ પાઠવ્યું છે અને ૨ ફેબ્રુઆરીએ હાજર રહેવાની તાકીદ કરી છે.
કથિત દારૂ કૌભાંડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને પાંચમું સમન્સ મોકલ્યું છે. કેજરીવાલને ૨ ફેબ્રુઆરીએ ઈડી હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, કેજરીવાલ પાસે આ વખતે તપાસ એજન્સી સમક્ષ હાજર થશે કે નહીં તે અંગે વિચારણા કરવા માટે માત્ર બે દિવસ બાકી છે.
પહેલા દિલ્હીના સીએમે ૪ સમન્સની અવગણના કરી છે. કેજરીવાલે દર વખતે ઇડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને તેની અવગણના કરતા રહ્યાં છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે ભાજપ લોકસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માંગે છે. કેજરીવાલે ખુદ સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમને પ્રચાર કરતા રોકવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને ખોટા કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે.