લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ઉત્તર પ્રદેશમાં સીટ વહેંચણીને લઈ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે વિવાદ શરૂ થયો છે.
સપાની યાદી પર કોંગ્રેસે કહ્યું – ‘અમે નમ્ર છીએ પણ લાચાર નથી.

ઈન્ડિયા ગઠબંધન માં સીટોની વહેંચણીને લઈને ખેંચતાણ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ૧૬ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે બાદ કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે સપાની યાદીને એકતરફી ગણાવી છે. AICC UP પ્રભારી મહાસચિવ અને અવિનાશ પાંડેએ કહ્યું કે, અમે નમ્ર છીએ પણ લાચાર નથી.
એઆઈસીસી યુપીના પ્રભારી મહાસચિવ અવિનાશ પાંડે લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓ અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના યુપી લેગની ચર્ચા કરવા લખનૌમાં હતા. આ યાત્રા ૧૪ ફેબ્રુઆરીએ યુપીમાં પ્રવેશ કરશે. કોંગ્રેસના નેતા અવિનાશ પાંડેએ અન્ય વિકલ્પો તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે, જેઓ તેમની પાર્ટી વિરુદ્ધ ધારણા ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓએ જાણવું જોઈએ કે કોંગ્રેસ નમ્ર રહી શકે છે, સહકાર આપી શકે છે, પરંતુ લાચાર નથી.
સમાજવાદી પાર્ટી દ્વારા ૧૬ ટિકિટોની જાહેરાત પર અવિનાશ પાંડેએ કહ્યું, “આ સંપૂર્ણપણે એકતરફી અને અસ્વીકાર્ય છે. તેમણે વધુમાં કહ્યું કે, “યુપીના કાર્યકર્તાઓ આ પસંદ કરી શકતા નથી. વરિષ્ઠ નેતૃત્વ હતાશા અનુભવી રહ્યું છે. એક તરફ અમે ટેબલ પર ચર્ચા કરી રહ્યા છીએ તો, બીજી તરફ તેઓ કોંગ્રેસને કંઈક સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અવિનાશ પાંડેએ કહ્યું કે, કોંગ્રેસ ઉદાર દિલથી સીટ વહેંચણીની વાતચીત માટે આગળ વધી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, ગઠબંધન ધર્મના કેટલાક નિયમો છે પરંતુ સંદેશો એ છે કે સપાના નેતાઓ તેનું પાલન નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે શક્ય છે કે, સપા પ્રમુખ અખિલેશ યાદવની જાણ વગર આવો એકતરફી નિર્ણય લેવામાં આવ્યો હોય, કારણ કે આવું પગલું હાસ્યજનક છે. અવિનાશ પાંડેએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસ પણ આવું કરી શકી હોત, પરંતુ તેણે એવું કર્યું નથી કારણ કે, તે અન્ય સહયોગીઓને સાથે લેવામાં માને છે.
ઈન્ડિયા ગઠબંધન ને નબળો પાડવાના કાવતરા અંગે વાત કરતા અવિનાશ પાંડેએ કહ્યું કે, કોંગ્રેસના કાર્યકરો આવી મૂંઝવણ અને સપાની કાર્યવાહીથી નારાજ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસને આશા છે કે દરેક જણ ભાજપને હરાવવાના એક જ ઉદ્દેશ્ય સાથે કામ કરી રહ્યા છે, તેથી તે પ્રયત્ન કરી રહ્યા છે. ઉકેલ શોધી કાઢવામાં આવશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય.