નર્મદાનું પાણી અગરિયા માટે ‘આફત’ કેમ બની રહ્યું છે?

ગુજરાતના સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના પાટડી, ધ્રાગંધ્રા અને હળવદના કચ્છના નાના રણમાં રહીને અગર પર કામ કરી ગુજરાન ચલાવતા અગરિયા આ વર્ષે નાણાકીય નુકસાનનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

અગરિયા બીબીસી ગુજરાતી

પાછલા અમુક દિવસોથી કચ્છના રણવિસ્તારમાં આવેલા અગરો પર ‘નર્મદાનું પાણી’ ફરી વળતાં સ્થાનિક અગરિયા પોતાને ‘જંગી નુકસાન’ થયું હોવાની ફરિયાદ કરી રહ્યા છે. સ્થાનિક સમાચારોમાં પણ કચ્છના રણમાં ‘નર્મદાનું પાણી’ ભરાઈ જતાં ‘કિલોમીટર લાંબું તળાવ’ રચાઈ ગયું હોવાના અહેવાલ પ્રકાશિત કરાયા હતા.

જાણકારો અનુસાર તાલુકામાં ૨૦૦ થી વધુ અગરિયા પરિવારો વસે છે, જેઓ દર વર્ષે હજારો ટન મીઠાનું ઉત્પાદન કરે છે. જોકે, આ ઉત્પાદનમાં આ વખતે ‘ધરખમ ઘટાડો’ થવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. કારણ કે ફરિયાદ પ્રમાણે પાછલા અમુક દિવસથી આ વિસ્તારના ‘લગભગ દરેક અગરિયાના અગરમાં નર્મદા કૅનાલનું પાણી’ ફરી વળ્યું છે.

આના કારણે સામાન્ય રીતે મીઠા પાણીની આવક વખતે લોકોમાં ખુશી હોય છે, પરંતુ અગરિયાની ફરિયાદ છે કે તેમના માટે તો આ ‘મીઠું પાણી આફત લઈ’ને આવ્યું છે.

અગરિયાની ફરિયાદ છે કે પાછલાં લગભગ ‘દસ વર્ષથી સરકારી અધિકારીઓ માળિયા મુખ્ય નહેરમાંથી નર્મદા કૅનાલનું મીઠું પાણી લોકો સુધી પહોંચાડવાને બદલે રણમાં છોડી દે છે.’

તેમના પ્રમાણે ‘સમગ્ર સૌરાષ્ટ્રને આખા ઉનાળામાં કામ લાગે એટલું પાણી દર વર્ષે છોડી દેવાય છે,’ જેના કારણે તેમને ‘નુકસાન’ ભોગવવું પડે છે.

જ્યારે સરકારના પક્ષે ‘સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાઈ રહ્યા હોવાના’ અને અગરિયાને ‘નુકસાન બદલ વળતર આપવાનો વિચાર’ કરાઈ રહ્યો હોવાની વાત કરાઈ રહી છે.

એપ્રિલ માસમાં મીઠું તૈયાર થયા બાદ તેને માર્કેટ પહોંચાડી અગરિયા પોતાનું પેટિયું રળતા હોય છે. અગરમાં કામ કરતા અગરિયા અને તેમના પરિવારોની દયનીય સ્થિતિ અંગે ઘણી વાર ચર્ચા થાય છે. સરકારો દ્વારા દાવા થાય છે. પરંતુ જાણકારોની વાત માનીએ તો સ્થિતિમાં ‘ઝાઝો ફેર’ પડતો નથી.

અગરિયાની પરિસ્થિતિ કેવી છે?

બીબીસી ગુજરાતી

‘નર્મદાનાં નીર’ કેવી રીતે અગરિયા માટે આફત બની રહ્યા છે એ અંગે જાણવા વર્ષોથી આ કામ કરતાં ગુણવંતભાઈ ઠાકોર સાથે વાત કરી હતી.

ગુણવંતભાઈ અને તેમના પરિવારે આ સિવાય આજ સુધી બીજું કોઈ કામ કર્યું નથી. તેઓ ઘણાં વર્ષોથી આ કામ કરીને જ પરિવારનું ભરણપોષણ કરતા આવ્યા છે. તેઓ વર્ષનો મોટા ભાગનો સમય કચ્છના નાના રણના કુડાના રણમાં જ પસાર કરે છે.

તેઓ કહે છે, “હાલમાં તો પાણી નહેરથી આશરે 50 કિલોમીટર અંદર સુધી રણમાં આવી ગયું છે અને અમુક જગ્યાએ તો પાણી દસ-દસ ફૂટ જેટલું ઊંડું છે. આ વાત પરથી પાણીના વેડફાટ અને તેના કારણે અગરિયાને થયેલ નુકસાનનો અંદાજ તમે કાઢી શકો છો.”

ગુણવંતભાઈ આવી ઘટનાઓને કારણે અગરિયા પર પડતા નાણાકીય બોજ અંગે વાત કરતાં કહે છે :

“દરેક અગરિયો મીઠું પકવવા માટે વેપારી પાસેથી ઍડ્વાન્સ મૂડી લેતો હોય છે અને તેની સામે તેણે વેપારીને મીઠું પકવીને આપવાનું હોય છે. દરેક અગરિયા પરિવાર પર બેથી પાંચ લાખ રૂપિયાનો દેવાદાર છે. આવી સ્થિતિમાં આ પાણીને કારણે જ્યારે અગરને નુકસાન થાય તો એ નુકસાનથી અગરિયા પરિવાર આર્થિક રીતે તૂટી જાય છે.”

ગુણવંતભાઈના જણાવ્યાનુસાર અગરિયા પરિવારોએ ‘પાણીથી થતા નુકસાન’ મામલે ઘણી રજૂઆતો કરી છે. જોકે, તેમની ‘સમસ્યાનું નક્કર નિરાકરણ હજુ સુધી કરાયું’ નથી.

અગરિયા હિતરક્ષક મંચના સુરેન્દ્રનગર જિલ્લાના સંયોજક ભરતભાઈ સુમરાએ તાજેતરમાં સર્જાયેલી સ્થિતિને ‘વિકટ’ ગણાવતા જણાવ્યું હતું કે, “સૌરાષ્ટ્રને આખું ઉનાળુ કામ આવી શકે એટલું પાણી હાલમાં કચ્છના નાના રણમાં કૅનાલ મારફતે છોડવામાં આવ્યું છે. પીવાનું ચોખ્ખું-મીઠું પાણી લોકો સુધી પહોંચાડવાને બદલે સરકારી અધિકારીઓ લગભગ છેલ્લાં દસ વર્ષથી દર વર્ષે આ સમયે જ રણમાં છોડી દે છે.”

આવી જ રીતે ઝીંઝુવાડાના અગરિયા ભરતસિંહ ઝાલા પણ મોટા નુકસાનનો સામનો કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, “દર વર્ષે પાંચથી છ પાટામાં તો પાણી આવી જ જાય છે. આ પાણીનો ઉપયોગ ખેડૂતો માટે થવો જોઈતો હતો, પરંતુ તેને રણમાં છોડી દેવાનું કારણ સમજાતું નથી.”

તેમનું કહેવું છે કે એપ્રિલ માસ સુધી આ પાણી ન સુકાય તો પકવેલું મીઠું રણમાંથી બહાર કાઢીને માર્કેટ સુધી પહોંચાડવામાં પણ તેમને તકલીફ પડશે.

તેઓ આ સરકારને આ મામલે ઝડપથી પગલાં લેવાનો આગ્રહ કરતા કહે છે કે, “આટલા પાણીમાં ટ્રક કે ટ્રેકટર ચાલી જ ન શકે. પાણી- કાદવવાળા વિસ્તારમાં હોય તો ૧૦૦ ટનની ગાડી કેવી રીતે બહાર જઈ શકે? માટે હવે સરકારે પાણી રોકીને તાત્કાલિક બહાર કાઢવાની યોજના બનાવવી જોઈએ.”

આ ‘સમસ્યા’ વિશે બીબીસી ગુજરાતીએ અગરિયાના હકો માટે કામ કરતાં કર્મશીલ સાથે પણ વાત કરી હતી.

પંક્તિ જોગ પાછલાં ઘણાં વર્ષોથી અગરિયાના હકો માટે કામ કરી રહ્યાં છે.

તેઓ કહે છે કે, “નર્મદાનાં પાણી કચ્છ સુધી પહોંચાડવા માટે સરકાર ભારે ખર્ચ કરે છે. જોકે, આ પાણીનો સદુપયોગ થવાને સ્થાને એ આવી રીતે વેડફાઈ જાય છે. બીજી બાજુ આ પાણીને કારણે અગરિયાને મોટી તકલીફોનો સામનો કરવો પડે છે.”

તેઓ વધુમાં કહે છે કે આ વિશે સરકારે અનેક વખત ‘સમસ્યાનું સમાધાન લાવવાની બાંહેધરી’ આપી છે, પરંતુ હજુ સુધી પોતાનું ‘વચન પાળ્યું નથી.’

સરકારનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતી

અગરિયાને તાજેતરમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે ‘ભોગવવા પડી રહેલા નુકસાન’ની ફરિયાદ બાબતે સરકારી વિભાગ અને અધિકારીઓનો પક્ષ જાણવા માટે બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.

સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર કે. સી. સંપતે આ મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, “અમે આ બાબતે એક મિટિંગ બોલાવી છે. અમે તમામ પક્ષો સાથે આ સમસ્યાને સારી રીતે સમજીને સમાધાન કરવા પ્રયાસ કરી રહ્યા છીએ. મુખ્યત્વે આ સમસ્યા કુડાના રણમાં છે, જ્યાં કેટલીક વાર નર્મદાનું પાણી આવી જતું હોય છે.”

તેઓ આ સ્થિતિનાં કારણો અંગે વાત કરતાં કહે છે કે, “પાણીની જરૂરિયાત અને આવકમાં થતા ફેરફારને કારણે ઘણી વખત આ પ્રકારની સમસ્યા થાય છે. અગરિયાને આ સ્થિતિ કારણે થયેલા નુકસાન મામલે કેવી રીતે વળતર આપી શકાય એ મુદ્દે પણ વિચાર કરાઈ રહ્યો છે.”

મોરબીના જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાએ આ મુદ્દે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મોરબીનો અમુક ભાગમાં જ આ સમસ્યા છે, મોટા ભાગે આ સમસ્યા સુરેન્દ્રનગર જિલ્લાની છે.”

આ ઉપરાંત ગુજરાત સરકારના વન અને પર્યાવરણમંત્રી મૂળુભાઈ બેરા સાથે પણ આ મુદ્દે તેમના વિભાગનો મત જાણવા પ્રયાસ કરાયો હતો. જોકે, ઘણા પ્રયત્નો છતાં તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

અગરિયા અને કર્મશીલો પ્રમાણે આ ‘સમસ્યાના મૂળમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ જવાબદાર છે.’

નિગમના એક ઉચ્ચ અધિકારીએ પોતાનું નામ ન આપવાની શરતે વાત કરતાં જણાવ્યું હતું કે, “આ વિસ્તાર માત્ર કૅનાલનું પાણી નહીં, પરંતુ આસપાસની નાની મોટી નદીઓનું પાણી ભેગું થઈ જતું હોય છે. આ સમસ્યા માટે એકથી વધુ કારણો જવાબદાર છે, જેમાં પાણીની આવક અને ખેડૂતોને પાણીની જરૂરીયાત મુખ્ય પરિબળ છે. આનું ત્વરિત સમાધાન લાવવા સરકાર કામ કરી રહી છે.”

સામાન્ય રીતે મીઠું પકવવાના કામમાં અગરિયાનો આખો પરિવાર જોતરાઈ જતો હોય છે અને દિવાળીથી જ તેઓ આ કામની શરૂઆત કરી દે છે. એક મધ્યમ વર્ગીય અગરિયા પાસે આશરે આઠથી દસ અગર હોવાનું મનાય છે. જેમાં બેઝિક ગણતરી અનુસાર આઠ-દસ અગર હોય છે અને તમામ અગરમાં આશરે ૫૦૦ ટન જેટલું મીઠું પાકતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *