પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ગોવામાં એનર્જી ઈન્ડિયા વીકની શરૂઆત.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં ONGCના સર્વાઇવલ સેન્ટરનું ઉદઘાટન કર્યું.આ કેન્દ્રને વૈશ્વિક માપદંડો અનુસાર એક અનોખા દરિયાઈ સર્વાઈવલ તાલીમ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. જેમાં વાર્ષિક ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ કર્મચારીઓને તાલીમ આપી શકાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગોવામાં ભારત ઊર્જા સપ્તાહ-૨૦૨૪ નું ઉદઘાટન પણ કર્યું. આ તકે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતનો જીડીપી દર ૭.૫ ટકાને વટાવી ગયો છે. ભારત ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત ભવિષ્યની ઉર્જાની જરૂરિયાતો માટે તૈયારી કરી રહ્યું છે. ભારતે ૧૦૦ ટકા વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કર્યું છે. ભારત વિશ્વ વિકાસની દિશા નક્કી કરી રહ્યું છે. ભારતે વચગાળાના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રૂપિયા ૧૧ લાખ કરોડનું રોકાણ કરવાનું વચન આપ્યું છે. ભારત તેની ઊર્જા ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે. ભારત ઉર્જા ક્ષેત્રમાં પહેલા કરતા વધુ રોકાણ કરી રહ્યું છે.
૯ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ સંમેલનમાં ઊર્જા પ્રદર્શન યોજાશે. ભારત ઊર્જા સપ્તાહ-૨૦૨૪ નો મુખ્ય હેતુ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું અને તેમને ઉર્જા મૂલ્ય સાંકળમાં એકીકૃત કરવાનો છે. આ દરમિયાન વિવિધ દેશોમાંથી આશરે ૧૭ ઊર્જા મંત્રીઓ સહિત આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ૩૫ હજારથી વધુ ઉપસ્થિતો ભાગ લેશે.
આ સંમેલનમાં ૯૦૦થી વધુ પ્રદર્શકો પોતાના પ્રદર્શની સાથે ભાગ લેશે. આ સંમેલનમાં છ સમર્પિત દેશો- કેનેડા, જર્મની, નેધરલેન્ડ્સ, રશિયા, બ્રિટેન અને અમેરિકાના પેવેલિયન હશે. દેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો મેડ ઇન ઇન્ડિયા પેવેલિયનમાં ઉર્જા ક્ષેત્રે કરવામાં આવેલી નવીનતાઓનું પ્રદર્શન કરશે.
આ સંમેલન ઊર્જા મૂલ્યની સંપૂર્ણ શૃંખલાને એકસાથે લાવશે અને ભારતના ઊર્જા પરિવર્તનના લક્ષ્યાંકો માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વૈશ્વિક તેલ અને ગેસ કંપનીઓના CEO અને નિષ્ણાતો સાથે બેઠક યોજાશે.