સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ થી શરૂ થઈ રહી છે. CBSE બોર્ડની પરીક્ષા ૨૦૨૪ માટે લગભગ ૩૫ લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વર્ષે ભારત અને વિદેશના ૨૬ દેશોથી ૩૯ લાખથી વધુ વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. દિલ્હીના ૮૭૭ પરીક્ષા કેન્દ્રો પર ૫ લાખ ૮૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓમાં ભાગ લેશે. આ પરીક્ષા આજે સવારે ૧૦:૩૦ વાગ્યે શરૂ થશે. CBSE બોર્ડે વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે, તેઓ ઘરેથી પરીક્ષા આપવા માટે વહેલા નીકળે કે જેથી પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી શકે. બોર્ડે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે મેટ્રો ટ્રેન સેવાનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે.
દિલ્હીમાં ૮૭૭ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં ૫,૮૦,૧૯૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થશે. બોર્ડે જારી કરેલા નિર્દેશોમાં કહ્યું છે કે દિલ્હીમાં પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે ટ્રાફિક સંબંધિત સમસ્યાઓ થવાની આશા છે. જેના કારણે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં વિલંબ થઈ શકે છે. તેથી તમામ વિદ્યાર્થીઓને તેમના ઘરે વહેલા બહાર નીકળવાની સલાહ આપવામાં આવે છે જેથી તેઓ સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે.
વિદ્યાર્થીઓને મેટ્રો સેવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. બોર્ડે કહ્યું કે મેટ્રોનું સંચાલન સરળ છે, તેથી વિદ્યાર્થીઓ માટે તેના દ્વારા પહોંચવું વધુ સારું રહેશે. બોર્ડે કહ્યું છે કે ભારત અને અન્ય દેશોના તમામ CBSE વિદ્યાર્થીઓને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે સ્થાનિક પરિસ્થિતિઓ, ટ્રાફિક, હવામાનની સ્થિતિ, અંતર વગેરેને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. તમામ શાળાઓને વાલીઓ અને વિદ્યાર્થીઓને મદદ કરવા અને માર્ગદર્શન આપવા વિનંતી કરવામાં આવે છે.
CBSE બોર્ડે ઉમેદવારો માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે.તમે CBSE બોર્ડ પરીક્ષા ૨૦૨૪ ની ડેટશીટ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર ચકાસી શકો છો. CBSE બોર્ડ પહેલાથી જ વિદ્યાર્થીઓ માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની યાદી બહાર પાડી ચૂક્યું છે. આ સાથે એક નોટિસ પણ બહાર પાડવામાં આવી છે કે બોર્ડની પરીક્ષાને લગતી અફવાઓ, પેપર લીક અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.