કેન્સરની વેક્સિન તૈયાર થવાની અણીએ

 રાષ્ટ્રપતિ પુતિનનો મોટો દાવો.

યુક્રેન સાથે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને મોટો દાવો કર્યો છે. તેમનુ કહેવુ છે કે, રશિયા કેન્સર માટેની રસી બનાવવા તરફ આગલ વધી રહ્યુ છે અને હવે આ રસી બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. 
પુતિને મોસ્કો ફોરમની બેઠકમાં પોતાના સંબોધન દરમિયાન કહ્યુ હતુ કે, મને આશા છે કે, આ રસીનો ઉપયોગ બહુ જલ્દી શરુ કરવામાં આવશે. જોકે તેમણે આ રસી કયા પ્રકારના કેન્સર માટે કામ આવશે તેનો ખુલાસો કર્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, ભારત સહિત ઘણા દેશો હાલમાં કેન્સરની રસી પર કામ કરી રહ્યા છે. દુનિયામાં જ્યારે કોરોના વાયરસે કોહરામ મચાવ્યો હતો ત્યારે પણ રશિયાએ સૌથી પહેલા કોરોનાની વેક્સીન બનાવવાની જાહેરાત કરી હતી. રશિયાએ આ વેક્સીનને સ્પુતનિક ૧૯ નામ આપ્યુ હતુ.

રશિયાની સાથે સાથે બ્રિટન પણ કેન્સરની વેક્સીન માટે ક્લિનિકલ ટ્રાયલ કરી રહ્યુ છે. બ્રિટિશ સરકારે ૨૦૩૦ સુધીમાં ૧૦,૦૦૦ લોકો પર આ ટ્રાયલ કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે. અન્ય કેટલીક દિગ્ગજ દવા કંપનીઓ પણ કેન્સરની રસી બનાવવા પર કામ કરી રહી છે. જેનો ઉપયોગ કેન્સરના બીજા કે ત્રીજા સ્ટેજના દર્દીઓ પર કરવાની યોજના છે. આ રસીના જે પણ પ્રયોગો કરવામાં આવ્યા છે તેના ઉત્સાહજનક પરિણામો મળ્યા છે. મોડર્ના અને મર્ક એન્ડ કંપનીની રસી સ્કિન કેન્સરના દર્દીઓ માટે બનાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *