અખિલેશ યાદવની પાર્ટીમાં મોટા ભંગાણના એંધાણ!

સપાના ધારાસભ્ય ઈન્દ્રજીત સરોજ સહિત લગભગ અડધા ડર્ઝનથી વધુ વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં.

 લોકસભાની ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીમાં મોટા ભંગાણની શક્યતા વર્તાઈ રહી છે. સમાજવાદી પાર્ટીમાં આ ભંગાણને આગામી લોકસભા ચૂંટણીના પરિપ્રેક્ષ્યથી જોવામાં આવી રહ્યું છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે અખિલેશ યાદવની પાર્ટીના ૧૦ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે અને પાર્ટીના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. રાજ્યસભા ચૂંટણીના વોટિંગના દૃષ્ટિકોણથી પણ આ ભંગાણને અખિલેશ યાદવ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

સપાના ધારાસભ્ય ઈન્દ્રજીત સરોજ સહિત લગભગ અડધા ડર્ઝનથી વધુ વર્તમાન ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જો ભાજપને રાજ્યસભાની ચૂંટણીમાં તેમની જરૂર પડશે તો આ તમામ ધારાસભ્યો સમાજવાદી પાર્ટી વિરુદ્ધ ક્રોસ વોટિંગ કરી શકે છે. આ ઉપરાંત સૂત્રોનું માનીએ તો સપાના અમિતાભ વાજપેયી સહિત ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. આ તમામ ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડવાના ચક્કરમાં છે અને તેથી તેઓ બીજી પાર્ટીઓની રાહ જોઈ રહ્યા છે.

જો કે છેલ્લા કેટલાક દિવસોમાં અખિલેશ યાદવને તેમની નજીકના ઘણા નેતાઓએ તેમને ઝટકો આપ્યો છે. સપાના ધારાસભ્ય અને અપના દળ કમેરાવાડી નેતા પલ્લવી પટેલે પહેલા જ રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવારને વોટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે પાર્ટી પીડીએની ફોર્મ્યુલા પર ચાલી રહી છે. તેમણે સપાના ઉમેદવારો જયા બચ્ચન અને આલોક રંજન પર સવાલો ઉઠાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *