છેલ્લા બે વર્ષમાં ૪૬૭ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે. જે પૈકી ૨૦૨૨ માં ૩૫ જ્યારે ૨૦૨૩ માં ૪૩૨ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે.
)
દરિયામાં માછીમારી કરવા જતાં ભારતીય માછીમારોનું યેનકેન પ્રકારે પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરવામાં આવે છે અને માછીમારોને પકડી લેવામાં આવે છે. પાકિસ્તાનની આવી નાપાક હરકત અનેકવાર સામે આવી ચૂકી છે. પાકિસ્તાનની આવી નાપાક હરકતને લઈને હજુપણ ઘણા માછીમારો પાકિસ્તાન જેલમાં સબડી રહ્યા છે. ૩૧/૧૨/૨૦૨૩ ની સ્થિતિએ ગુજરાતના ૧૩૩ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હોવાની વિગતો સામે આવી છે. પાકિસ્તાન પાસે ગુજરાતના માછીમારોની ૧૧૭૦ બોટ કબ્જે છે.
બે વર્ષમાં ૪૬૭ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયા છે. જે પૈકી ૨૦૨૨ માં ૩૫ જ્યારે ૨૦૨૩ માં ૪૩૨ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. પરંતુ પાકિસ્તાન દ્વારા એક પણ બોટ મુક્ત ન કરવામાં આવી હોવાની વિગત પણ વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન સામે આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીના પ્રશ્ન પર સરકારે લેખિત જવાબ આપ્યો છે. છેલ્લા બે વર્ષમાં 89 માછીમારોને ૨૨ બોટ સાથે પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા છે. જે પૈકી ૨૦૨૨ માં ૮૦ જ્યારે ૨૦૨૩ માં ૯ માછીમારોને પાકિસ્તાન દ્વારા પકડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, દરિયો ખેડીને સાગરખેડૂઓ માછીમારી કરતા હોય છે ત્યારે દરિયામાં માછીમારોની સુરક્ષાના અનેકવાર સવાલો ઉઠ્યા છે. ત્યારે પાકિસ્તાન દ્વારા માછીમારોની થતી ધરપકડનો મુદ્દો વિધાનસભામાં ચર્ચાયો હતો.
સરકાર દ્વારા પાક જેલમાં બંધ માછીમારોને છોડાવવાના અનેક પ્રયાસ કરવામાં આવે છે. જેના પરિણામે પાછલા બે વર્ષમાં 467 જેટલા માછીમારોને પાકિસ્તાનના કબજામાંથી છોડાવવાના પ્રયાસ સફળ પણ થયા છે.