સુરત સમાચાર: અલગ અલગ પ્રસંગોમાં તેમજ શહેરમાં નીકળતા વરઘોડાઓમાં લોકો રસ્તા પર ફટાકડા ફોડીને અથવા તો કાગળો ઉડાડીને કચરો કરતા હોય છે.
સુરત: દેશના સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત પ્રથમ ક્રમે આવ્યું છે. ત્યારે સુરતને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ સુરતના અલગ અલગ વિસ્તારોમાં નીકળતા વરઘોડા દરમિયાન ઉડાડવામાં આવતા કાગળો કે રસ્તા પર ફોડવામાં આવતા ફટાકડાના કારણે રસ્તા પર ગંદકી થાય છે અને ત્યારે હવે આ ગંદકી અટકાવવા માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. તંત્રએ જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના પાલ વિસ્તારમાં વરઘોડા દરમિયાન રસ્તા પર ગંદકી કરનારા લોકોને ૭,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ સુરતના વરાછા વિસ્તારમાંથી તેમજ લિંબાયત વિસ્તારમાં વરઘોડા દરમ્યાન રસ્તા પર કાગડો ફેંકી અથવા તો ફટાકડા ફોડીને ગંદકી ફેલાવનારા લોકો સામે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ત્યારે હવે સુરતના પાલ વિસ્તારમાં પણ ઉદાહરણરૂપ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે.
સુરતના પાલ વિસ્તારમાં રવિવારના રોજ એક વરઘોડો નીકળ્યો હતો અને તે દરમિયાન ફટાકડાઓ ફોડવામાં આવ્યા હતા અને આ ફટાકડામાંથી રંગબેરંગી કાગળો નીકળ્યા હતા અને તેના જ કારણે એ રસ્તા પર ગંદકી ફેલાઈ હતી અને આ જ બાબતે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ એ વરઘોડો જે લોકોએ કાઢ્યો હતો તેમની સામે દંડનીય કાર્યવાહી કરી ૭,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.