શ્રદ્ધાળુઓ અને દાનમાં મળેલી રકમનો આંકડો થયો જાહેર.
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને એક મહિનો થઈ ગયો છે. ૨૨ જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિધિસર ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં ભાગ લીધો. હવે રામલલાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી છે. રામલલા દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે અને નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશ-વિદેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. એક મહિનાના સમયગાળા દરમિયાન ૬૨ લાખ લોકોએ રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા. ભક્તોએ ૫૦ કરોડની રકમ રામલલાને અર્પણ કરી.
ટ્રસ્ટના કાર્યાલય ઈન્ચાર્જ પ્રકાશ ગુપ્તા અનુસાર ગર્ભગૃહની સામે દર્શન પથ પાસે ચાર મોટા આકારની દાન પેટીઓ મૂકેલી છે. જેમાં શ્રદ્ધાળુ દાન કરી રહ્યા છે. આ સિવાય ૧૦ કોમ્પ્યુટરાઈઝડ કાઉન્ટર્સ પર પણ લોકો દાન કરે છે. આ દાન કાઉન્ટરો પર મંદિર ટ્રસ્ટના કર્મચારીઓને નિમણૂક કરવામાં આવ્યા છે, જે સાંજે કાઉન્ટર બંધ થયા બાદ પ્રાપ્ત દાન રાશિનો હિસાબ ટ્રસ્ટ કાર્યાલયમાં જમા કરે છે.
દાનની ગણતરીમાં કર્મચારી કાર્યરત છે
૧૪ કર્મચારીઓની એક ટીમ ચાર દાન પેટીઓમાં આવેલા દાનની ગણતરી કરી રહ્યા છે, જેમાં ૧૧ બેન્ક કર્મચારી અને ૩ મંદિર ટ્રસ્ટના કર્મચારી સામેલ છે. ગુપ્તાએ કહ્યુ કે દાન રાશિ જમા કરવાથી લઈને તેની ગણતરી સુધી બધુ જ સીસીટીવી કેમેરાની નજર હેઠળ કરવામાં આવે છે.
શું છે રામ મંદિરનો ટાઈમિંગ
મંદિરના ઉદ્ઘાટનના એક મહિના બાદ પણ શ્રદ્ધાળુઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. મંદિર તંત્રના નવા સમય અનુસાર રામલલાની મૂર્તિની શ્રૃંગાર આરતી સવારે ૦૪:૩૦ વાગે શરૂ થશે. સવારે ૦૬:૩૦ વાગે મંગળ પ્રાર્થના કરવામાં આવી. જે બાદ સવારે ૦૭:૦૦ વાગ્યાથી મંદિર ભક્તોના દર્શન માટે ખોલી દેવામાં આવે છે.