ભારત અને ઈંગ્લેન્ડ: ડેબ્યૂ મેચમાં જ આકાશ દીપે કરી મોટી ભૂલ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાંચી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર આકાશ દીપને ડેબ્યૂ કરવાની તક મળી.

 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી રાંચી ટેસ્ટ મેચમાં ફાસ્ટ બોલર આકાશ દીપને ડેબ્યૂ કરવાની તક મળી. ભારતીય સુકાની રોહિત શર્માએ જસપ્રીત બુમરાહના સ્થાને આ ખેલાડીને ઘણી અપેક્ષાઓ સાથે ટીમમાં સામેલ કર્યો હતો. રણજી ટ્રોફીમાં બિહાર તરફથી રમનાર ખેલાડી આકાશ દીપનો રેકોર્ડ શાનદાર છે. આ કારણે તેને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. પરંતુ આ મેચ દરમિયાન ડેબ્યૂ મેચમાં જ બિહારના લાલે એવી ભૂલ કરી કે જેના કારણે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ગુસ્સે થઈ ગયો.

ભારતીય ટેસ્ટ ટીમ માટે આકાશ દીપ ડેબ્યૂ કરનાર ૩૧૩ મો ખેલાડી બની ગયો છે. જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આ ખેલાડી પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેને ઈંગ્લેન્ડ સામેની મહત્વપૂર્ણ મેચમાં તક આપવામાં આવી હતી. આ મેચમાં આકાશ દીપ સારી બોલિંગ કરી રહ્યો છે. તે પોતાની ધારદાર બોલિંગથી બેટરોને પણ પરેશાન કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન જ તેણે એક ભૂલ કરી જેનાથી રોહિત શર્મા પરેશાન થઈ ગયો. મામલો એવો છે કે રોહિત શર્માએ ઈનિંગની ચોથી ઓવરમાં આકાશ દીપને બોલિંગ કરવા માટે બોલાવ્યો હતો. આ ઓવરના પાંચમા બોલ પર જેક ક્રોલી સ્ટ્રાઈક પર હતો. આકાશ દીપે શાનદાર બોલ ફેંકીને બેટરને બોલ્ડ કર્યો. કરોડો ભારતીય ચાહકોએ આનંદ વ્યક્ત કર્યો જ હતો ત્યાં ખબર પડી કે આ નો બોલ હતો.

જેક ક્રોલીને બોલ્ડ કર્યો ત્યારે ભારતીય ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા. દરમિયાન અમ્પાયરે નો બોલ ચેક કરવાનું શરૂ કર્યું ત્યારે બાદમાં ખબર પડી કે આકાશ દીપે નો બોલ નાખ્યો હતો. આ બોલ નો બોલ હતો, જેના કારણે બેટર નોટઆઉટ જાહેર કરાયો હતો. આ સાથે જ કરોડો ચાહકોની ખુશી એક જ ઝાટકે દુ:ખમાં ફેરવાઈ ગઈ હતી. ભારતીય કેપ્ટન પણ નારાજ થઈ ગયો હતો. નો બોલ જાહેર થયા બાદ રોહિત શર્માનો ચહેરો પણ ઉદાસ દેખાઈ રહ્યો હતો. જો કે આકાશે જ ક્રોલીને બોલ્ડ કરીને નો બોલનો બદલો લીધો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *