વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવાના છે. આ સિગ્નેચર બ્રિજથી બેટ દ્વારકા ટાપુ પર વાહન મારફતે કે પગપાળા જવાની સુવિધા મળશે. જાણો ગુજરાતના પ્રથમ સી-લિંક સિગ્નેચર બ્રિજની ખાસિયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિગ્નેચર બ્રિજ તરીકે જાણીતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરશે. ૪.૭ કિમી લાંબો આ સુદર્શન સેતુ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH) ૫૧ નો જ હિસ્સો છે, જે દરિયાઇ માર્ગે બેટ દ્વારકા ટાપુ સાથે જોડે છે. જાણો આ કેબલ બ્રિજની ખાસિયતો.
ગુજરાતનો પ્રથમ સી-લિંક, સૌથી લાંબો કેબલ-સ્ટેડ સુદર્શન સેતુ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા શહેર અને કચ્છના અખાતમાં આવેલા બેટ દ્વારકા ટાપુને જોડતો સિગ્નેચર બ્રિજ ગુજરાતનો પ્રથમ સી-લિંક હશે.
૪,૭૭૨ મીટર લાંબા બ્રિજમાં ૨,૩૨૦ મીટર લાંબો બ્રિજ સેક્શન (૯૦૦ મીટર લાંબા કેબલ-સ્ટેડ સેક્શન સહિત) અને બંને બાજુએ કુલ ૨,૪૫૨ મીટર ફુટપાથનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, આ ગુજરાતનો સૌથી લાંબો કેબલ-સ્ટેડ બ્રિજ છે .
સિગ્નેચર બ્રિજમાં ૩૨ થાંભલાનો સપોર્ટ છે, જેમાં બે ૨૨ મીટર ઊંચા ટાવર્સનો સમાવેશ થાય છે, જે દરિયાની સપાટીથી લગભગ ૧૮ મીટર ઊંચાઈએ છે. ટાવર્સ સાત કેબલ-સ્ટેડ સ્પાન્સને સપોર્ટ આપે છે, જે ૯૦૦ મીટરના પિયર-લેસ સ્ટ્રેચને સપોર્ટ કરે છે. આ બ્રિજ નીચેથી નાના જહાજો અને ફિશિંગ બોટ અવરોધમુક્ત અવરજવર થઇ શકશે.

૨૭ મીટર પહોળા કેરેજવે ઉપરાંત, સિગ્નેચર બ્રિજની બંને બાજુએ વોકવે પણ છે, જેમાં ભગવદ ગીતાના શ્લોકો અને ભગવાન કૃષ્ણની છબીઓથી સુશોભિત સ્તંભો છે. ગુજરાત સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વોકવે પર સોલાર પેનલ લગાડવામાં આવી છે, જેની કુલ ક્ષમતા ૧ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની છે.કેન્દ્ર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ રૂ. ૯૭૮ કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
હિંદુ યાત્રાધામ બેટ દ્વારકા સાથે જોડશે સુદર્શન સેતુ
બેટ દ્વારકા, જે ૩૬ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે તે દીવ બાદ ગુજરાતના દરિયાકાંઠે આવેલો બીજો સૌથી મોટો ટાપુ છે. ૪૦ ચોરસ કિમીનો વિસ્તાર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ઉના કિનારે સ્થિત છે. બેટ દ્વારકા ઓખા નગરપાલિકાનો એક ભાગ છે, અને લગભગ ૧૦,૦૦૦ ની વસ્તી ધરાવે છે, જેમાંથી મોટા ભાગના મુસ્લિમ સમુદાયના છે.
બેટ દ્વારકા અને મુખ્ય જમીન ગુજરાત વચ્ચે પરિવહનનું એકમાત્ર સાધન ટાપુથી ઓખા સુધી ચાલતી ફેરી બોટ સેવા છે. સુદર્શન સેતુના નિર્માણથી પહેલીવાર આ ટાપુને તમામ પ્રકારના હવામાનમાં રોડ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનિય છે કે, બેટ દ્વારકા હિન્દુઓ માટે એક મુખ્ય તીર્થસ્થાન છે. અહીં શ્રી દ્વારકાધીશ મુખ્ય મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે, જ્યાં દર વર્ષે હજારો ભક્તો દર્શન કરવા આવે છે.
અહીં ધાર્મિક પ્રવાસ ઉપરાંત, માછીમારી એ બેટ દ્વારકા ટાપુવાસીઓ માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે.
સુદર્શન સેતુ નિર્માણથી ફેરી ઓપરેટરોની આજીવિકા પર પ્રશ્નાર્થ
સુદર્શન બ્રિજના નિર્માણથી બહુમતી-મુસ્લિમ ફેરી ઓપરેટરો ચિંતિત છે. કેબલ બ્રિજ પર અવરજવર શરૂ થવાથી તેમની બોટના મુસાફરોની સંખ્યામાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
દ્વારકાધીશ ટૂરિઝમ ફેરીબોટ એસોસિએશન, ઓખાના પ્રમુખ ઈબ્રાહીમ કુરેશીએ જણાવ્યું હતું કે હાલમાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે લગભગ ૧૭૦ ફેરી બોટ ચાલે છે. તેમાં ૯૦ (૧૦૦+ મુસાફરોની ક્ષમતા), ૨૦ મધ્યમ બોટ (૭૦-૧૦૦ મુસાફરોની ક્ષમતા), અને ૬૦ નાની બોટ (૭૦ મુસાફરોની ક્ષમતા)નો સમાવેશ થાય છે.