ગુજરાત વરસાદ આગાહી, ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છમાં એક માર્ચ અને બે માર્ચે માવઠાની આગાહી કરી છે.
ગુજરાત વરસાદ આગાહી : ગુજરાતમાં વરસાદી માવઠાની આફત આવી પહોંચી છે. ગુજરાત હવામાન વિભાગે માર્ચ ૨૦૨૪ની શરૂઆતના બે દિવસમાં રાજ્યમાં કેટલાક વિભાગમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હાલમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ખેડૂતો તથા માર્કેટ યાર્ડના વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, માર્ચ મહિનાની શરૂઆતના દિવસ એટલે કે ૧ માર્ચ અને ૨ માર્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જેમાં સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, પોરબંદર, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને બોટાદ સહિતનો સમાવેશ થાય છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે માછીમારો માટે પણ ચેતવણીની જાહેરાત કરતા કહ્યું છે કે, આગામી ૧ માર્ચ થી ૫ માર્ચ માછીમારોએ દરિયો ન ખેડવો, દરિયામાં ૪૫ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે પશ્ચિમ તરફથી પૂર્વ તરફ ભારે પવન સાથે અરબી સમુદ્રમાં ભેજના કારણે લોપ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત સહિત ઉત્તર ભારત સહિત, ગુજરાત, મહારાષ્ટ્ર સુધી રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં ક્યાં ક્યારે વરસાદની આગાહી
હવમાન વિભાગ અનુસાર, ૧ માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં ભારે પવન સાથે છૂટા છવાયા સ્થળો પર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ બાજુ સૌરાષ્ટ્ર કચ્છના દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.
જો ૨ માર્ચની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા વિસ્તારમાં છૂટા છવાયા સ્થળો પવન સાથે છૂટાછવાયા સ્થળોએ માવઠાની અસર જોવા મળશે, અને આ બાજુ કચ્છ જિલ્લામાં પણ માવઠાની અસર જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી
હવમાનના જાણકાર અંબાલાલ પટેલે પણ ગ્રહોના આધારે ૨૯ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધી હવામાનમાં મોટા ફેરફારની આગાહી કરી છે, તથા રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે. આ સિવાય ઠંડી, ગરમી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ૧૦ માર્ચથી ગુજરાતના તાપમાનમાં વધારો થશે.

ખેડૂતોની ચિંતામાં વધારો
ગુજરાતમાં શિયાળાના અંતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. માવઠાની અસર રવિ પાકને નુકશાન પહોચાડી શકે છે. હજુ પણ કેટલાક ખેડૂતોના ઘઉં, બાજરી, ચણા, વટાણા, રાઈ, બટાકા જેવા પાક ખેતરોમાં લણવાના બાકી છે જ્યારે માવઠાથી આ પાકમાં નકશાનની ભીતી સેવાઈ રહી છે. બનાસકાંઠા સહિતના માર્કેટ યાર્ડમાં મોટા પાયે અનાજ સહિત બટાકાનો પાક પડ્યો છે, ત્યારે વેપારીઓ પણ આગાહીના પગલે એલર્ટ થઈ ગયા છે, અને માલ ઠેકાણે પાડવા મથામણ કરી રહ્યા છે.