લાલુ પ્રસાદ યાદવે ‘મોદીનો પરિવાર’ પૂછીને ભૂલ કરી? વિપક્ષના શબ્દો હંમેશા બન્યા છે મોદીના હથિયાર

લાલુ પ્રસાદ યાદવની મોદીના પરિવાર વિશેની ટિપ્પણી અને ત્યારબાદ તરત જ મોદી કેબિનેટ મંત્રીઓ સહિત ભાજપના નેતાઓના એક્સ બાયોમાં ‘મોદીનો પરિવાર’ ઉમેરવાથી સંકેત મળી રહ્યા છે કે ભાજપ મૈં ભી ચોકીદારની જેમ મોદીનું પારિવારિક અભિયાન ચલાવવા જઈ રહ્યું છે

લાલુ પ્રસાદ યાદવે ‘મોદીનો પરિવાર’ પૂછીને ભૂલ કરી? વિપક્ષના શબ્દો હંમેશા બન્યા છે મોદીના હથિયાર

લોકસભા ચૂંટણી ૨૦૨૪ ને લઈને ચૂંટણી પંચે હજુ સુધી સત્તાવાર રીતે મતદાન કે પરિણામની તારીખો જાહેર કરી નથી, પરંતુ દેશમાં રાજનીતિ વધી રહી છે. ભાજપે લોકસભાના ૧૯૫ ઉમેદવારોની પહેલી યાદી પણ જાહેર કરી છે, જેમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેબિનેટ મંત્રીઓના નામ સામેલ છે. તો બીજી તરફ પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ રચાયેલી વિપક્ષી પાર્ટીઓની ઇન્ડિયા એલાયન્સની વિશાળ રેલી યોજાઇ હતી. જોકે આ રેલીમાં મોદી અને ભાજપ વિરુદ્ધ ઘણા પ્રહારો કરવામાં આવ્યા હતા. પરંતુ આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવનું એક નિવેદન વિવાદમાં આવ્યું છે. જે આગામી મહિનાઓ માટે દેશનો સૌથી મોટો રાજકીય મુદ્દો પણ બની શકે છે.

આરજેડીએ ઇન્ડિયા ગઠબંધનના ઘટકોની હાજરીમાં પટનાના ગાંધી મેદાનમાં એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને ડાબેરી નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ મેગા રેલી દરમિયાન લાલુ પ્રસાદ યાદવ પોતાના જૂના અંદાજમાં દેખાયા હતા, પરંતુ તેમણે પીએમ મોદીના પરિવાર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું, કારણ કે પીએમ મોદી સતત દેશની રાજનીતિથી પરિવારવાદના મુદ્દાને ખતમ કરવાનો ઉલ્લેખ કરી રહ્યા છે.

લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે નરેન્દ્ર મોદી રોજ પરિવારવાદની વાત કરે છે પરંતુ તેઓ કેમ નથી કહેતા કે તેમનો પરિવાર કેમ નથી. લાલુ પ્રસાદ યાદવે એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને કોઇ સંતાન કેમ નથી, નરેન્દ્ર મોદીએ આનો જવાબ આપવો જોઇએ.

‘મોદી કા પરિવાર’ અભિયાન શરૂ

લાલુપ્રસાદ યાદવના શબ્દોનો જવાબ આપવા માટે ભાજપના તમામ વરિષ્ઠ સાંસદો અને કેબિનેટ મંત્રીઓએ તેમના એક્સ એકાઉન્ટના બાયોમાં તેમના નામની બાજુમાં ‘મોદી કા પરિવાર’ લખ્યું હતું. ભાજપના લગભગ તમામ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોએ આ પ્રયોગ કર્યો છે. આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને અન્ય તમામ નેતાઓનો સમાવેશ થાય છે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેલંગાણાના અદિલાબાદમાં હતા. અહીંથી તેમણે લાલુ યાદવને જવાબ આપતા કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તુષ્ટિકરણમાં ડૂબેલા વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના નેતાઓ હતાશ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે હું તેમના પરિવારવાદ પર સવાલ ઉઠાવું છું, ત્યારે તેઓ કહેવા લાગ્યા કે મોદીનો કોઈ પરિવાર નથી. મોદીએ કહ્યું કે દેશનો દરેક સભ્ય મોદીનો પરિવાર છે.

જ્યારે મોદીએ રાહુલના આરોપને બનાવ્યું હતું ચૂંટણી કેમ્પેઇન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની પેટર્ન પર નજર કરવામાં આવે તો તે લોકસભા ચૂંટણી ૨૦૧૯ ના ‘મેં ભી ચોકીદાર’ અભિયાન જેવું જ છે. ફ્રાન્સ સાથે થયેલા ભારતના રાફેલ લડાકૂ વિમાનોના ડીલને લઇને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ અને હાલ વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડાપ્રધાને આ ડીલમાં ચોરી કરી છે. તેમણે પીએમ મોદી વિરુદ્ધ ‘ચોકીદાર ચોર હૈ’ અભિયાન ચલાવ્યું હતું. કોંગ્રેસ આને લઈને ખૂબ જ આક્રમક હતી. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લાગેલા આ આરોપને બદલીને તેને પોતાનો ચૂંટણી પ્રચાર બનાવ્યો, જે ‘મૈં ભી ચોકીદાર હું’ હતું.

ખાસ વાત એ છે કે ૨૦૧૯ માં ભાજપ ૨૦૧૪ કરતા વધારે સીટો સાથે સરકારમાં આવી હતી. ભાજપની સંખ્યા ૨૦૧૪ માં ૨૮૩ હતી જે વધીને ૨૦૧૯ માં ૩૦૩૦ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં ચૂંટણી બાદ કોંગ્રેસમાં જ રાહુલ ગાંધીનો વિરોધ થયો હતો. સૂત્રોનું કહેવું છે કે તે સમય દરમિયાન કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીની નીતિઓ અને પાર્ટીની સતત બીજી શરમજનક હાર માટે મોદી વિરુદ્ધ વ્યક્તિગત હુમલાઓના અભિયાનને જવાબદાર ગણાવ્યું હતું.

શું લાલુ પ્રસાદે ઇન્ડિયા ગઠબંધન માટે સેલ્ફ ગોલ કર્યો?

આવી સ્થિતિમાં લાલુ પ્રસાદ યાદવની મોદીના પરિવાર વિશેની ટિપ્પણી અને ત્યારબાદ તરત જ મોદી કેબિનેટ મંત્રીઓ સહિત ભાજપના નેતાઓના એક્સ બાયોમાં ‘મોદીનો પરિવાર’ ઉમેરવાથી સંકેત મળી રહ્યા છે કે ભાજપ મૈં ભી ચોકીદારની જેમ મોદીનું પારિવારિક અભિયાન ચલાવવા જઈ રહ્યું છે. આપણે બધા જાણીએ છીએ કે ૨૦૧૯ ની ચૂંટણીનું પરિણામ શું હતું. આ કારણે સવાલો ઊભા થયા છે કે મોદીના પરિવાર વિશે પૂછીને લાલુ પ્રસાદ યાદવે ઇન્ડિયા ગઠબંધન માટે સેલ્ફ ગોલ તો કરી દીધો નથીને?

વ્યક્તિગત હુમલાઓને બનાવ્યા હથિયાર

વર્ષ ૨૦૧૯ ને બાદ કરતા આ પહેલા પણ જ્યારે પણ વિપક્ષી દળોના નેતાઓ મોદી સામે વ્યક્તિગત પ્રહારો કરતા હતા ત્યારે મોદી તેને જનતા સાથે જોડીને અભિયાન બનાવતા હતા. ‘મોતના સોદાગરો’થી માંડીને મણિશંકર ઐયર દ્વારા ‘નીચ’ કહેવા પર મોદીએ કંઈક આવું જ કર્યું હતું. ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી પહેલા પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહે અર્થવ્યવસ્થા વિશે સંસદમાં નિવેદન આપ્યું હતું કે, ‘અચ્છે દિન આનેવાલે હૈ’, પૂર્વ પીએમના આ નિવેદનને ભાજપે ૨૦૧૪માં પોતાનું ઇલેક્શન કેમ્પેઇન બનાવ્યું હતું.

એટલું જ નહીં કોંગ્રેસના નેતાઓએ ૨૦૧૪ ની ચૂંટણી દરમિયાન પીએમ મોદીને ચા વાળો કહીને મોદીની મજાક પણ ઉડાવી હતી. જોકે આ અંગે જવાબી કાર્યવાહી કરવાને બદલે મોદીએ ચાય પે ચર્ચા અભિયાન શરૂ કર્યું હતું. આ બતાવે છે કે મોદી અને ભાજપ તેનો ઉપયોગ વિરોધી પક્ષોના વ્યક્તિગત હુમલાઓનો સામનો કરવાની સાથે એક ચૂંટણી કેમ્પેઇન બનાવીને હથિયાર તરીકે ઉપયોગ કરે છે. સંયોગ એ છે કે તેમને તેનો લાભ પણ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *