કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય પોતાના હોદ્દા પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાવાના છે અને તેઓ ભાજપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડશે.

કલકત્તા હાઈકોર્ટના જજ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જસ્ટિસ ગંગોપાધ્યાયે પોતાના રાજીનામાનો પત્ર
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને અને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને કલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ.શિવજ્ઞાનમને મોકલી આપ્યો છે.
અભિજીત ગંગોપાધ્યાયે ભાજપમાં જોડાવાનો પણ નિર્ણય કર્યો છે અને ભાજપ તેમને પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી લોકસભા લડાવે તેવી પણ ચર્ચાં છે. તમલુક બેઠક તાજેતરની ચૂંટણીઓમાં રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસનો ગઢ રહી છે. ટીએમસી ૨૦૦૯ થી સતત આ બેઠક જીતી રહી છે. બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ ૨૦૦૯ અને ૨૦૧૪ ની લોકસભા ચૂંટણી અહીંથી જીતી હતી. અધિકારી તે સમયે ટીએમસીના નેતા હતા. ૨૦૧૬ ની પેટા ચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારે આ બેઠક જીતી હતી. ૨૦૦૯ થી ૨૦૧૬ ની વચ્ચે સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રી મમતા બેનર્જીના જમણા હાથ કહેવાતા હતા.
જસ્ટિસ ગંગોપાધ્યાય પશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડની સુનાવણી સાથે સંકળાયેલા હતા. તેઓ આ વર્ષે ઓગસ્ટ ૨૦૨૪ માં નિવૃત્ત થવાના હતા. રાજીનામાની જાહેરાત કરતી વખતે, તેમણે પશ્ચિમ બંગાળમાં ભ્રષ્ટાચારના આરોપો અંગે રાજ્યની શાસક ટીએમસી પર પણ હુમલો કર્યો હતો.