વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે. અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીના તળની નીચે ચાલશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કોલકાતામાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો ટનલનું ઉદ્ઘાટન કરશે. કોલકાતામાં તૈયાર કરવામાં આવેલો આ પહેલો પ્રોજેક્ટ હશે જેમાં ભારતમાં અંડરવોટર ટ્રેન દોડાવવામાં આવશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મેટ્રો હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે દોડશે. આવો જાણીએ આ અંડર વોટર મેટ્રો ટનલ વિશે કેટલીક ખાસ વાતો.
પીએમ મોદી કોલકાતા મેટ્રોના હાવડા મેદાન-એસ્પ્લેનેડ મેટ્રો સેક્શન, કવિ સુભાષ સ્ટેશન-હેમંત મુખોપાધ્યાય મેટ્રો સેક્શન અને તારાતલા-માઝેરહાટ મેટ્રો સેક્શનનું ઉદ્ઘાટન કરશે. અંડરવોટર મેટ્રો ટનલ હુગલી નદીના તળની નીચે ચાલશે. અંડરવોટર મેટ્રો રેલ નદી અને હાવડાને કોલકાતા શહેર સાથે જોડશે.
હુગલી નદીના પટ નીચે મેટ્રો દોડશે
હુગલી નદીની નીચેની ટનલ કોલકાતા મેટ્રોના ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરનો એક ભાગ છે. આ મેટ્રો રૂટના ચાર મુખ્ય સ્ટેશન એસ્પ્લેનેડ, મહાકરણ, હાવડા અને હાવડા મેદાન છે. આ મેટ્રો ટનલનું કામ ૨૦૧૭ માં શરૂ થયું હતું. આ સાથે જ હાવડા મેટ્રો સ્ટેશન ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બની ગયું છે.
ફેબ્રુઆરી ૨૦૨૦ માં તત્કાલીન રેલવે મંત્રી પિયુષ ગોયલે સોલ્ટ લેક સેક્ટર વી અને સોલ્ટ લેક સ્ટેડિયમને જોડતી કોલકાતા મેટ્રોના ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. ૧૬.૫ કિલોમીટર લાંબી આ મેટ્રો લાઇન હુગલીના પશ્ચિમ કિનારે સ્થિત હાવડાને પૂર્વ તટ પર સોલ્ટ લેક શહેર સાથે જોડે છે. તેનો ૧૦.૮ કિમીનો ભાગ અંડરગ્રાઉન્ડ છે. ભારતનો આ પહેલો એવો ટ્રાન્સપોર્ટેશન પ્રોજેક્ટ છે જેમાં મેટ્રો ટ્રેન નદીની નીચેની ટનલમાંથી પસાર થશે.
પાણીની અંદર ૫જી ઇન્ટરનેટ મળશે
હાવડાથી એસ્પ્લેનેડનો માર્ગ લગભગ ૪.૮ કિલોમીટર લાંબો છે. આ માર્ગ પર હુગલી નદીની નીચે ૫૨૦ મીટર લાંબી મેટ્રો ટનલ છે. આ આખી અંડરગ્રાઉન્ડ ટનલ લગભગ ૧૦.૮ કિલોમીટર લાંબી છે. પાણીની અંદર ૫૨૦ મીટરનું અંતર કાપવામાં મુસાફરોને ૧ મિનિટથી પણ ઓછો સમય લાગશે. અંડરવોટર મેટ્રોમાં મુસાફરોને ૫જી ઇન્ટરનેટ સુવિધા પણ મળશે.
અધિકારીઓનો દાવો છે કે પાણીની અંદર મેટ્રો ટનલમાં પાણીનું એક ટીપું પણ પ્રવેશી શકતું નથી. પાણીની અંદર ટનલ બનાવવા માટે હજારો ટન માટી પણ કાઢવામાં આવી છે. આ મેટ્રોમાં ઓટોમેટિક ટ્રેન ઓપરેશન સિસ્ટમ છે. મોટરમેન બટન દબાવશે કે તરત જ ટ્રેન આપમેળે આગલા સ્ટેશન માટે મૂવ કરી જશે.