LPG ગેસ સિલિન્ડર પર રૂ.૧૦૦નો કર્યો ઘટાડો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને મોટી ભેટ આપી છે. તેમણે જાહેરાત કરી કે, આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
મહિલા દિવસ પર પીએમ મોદીના આ નિર્ણયથી ગૃહિણીઓ ખુશખુશાલ છે. દેશની તમામ મહિલાઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. પીએમ મોદીનો આ નિર્ણય દેશભરના તમામ સિલિન્ડર ધારકોને લાગુ પડશે. કેન્દ્રીય કેબિનેટે ગઈકાલે ઉજ્જવલા યોજના હેઠળ સિલિન્ડરની કિંમત પર ૩૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આગામી એક વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. તે ઉપરાંત, તમામ સામાન્ય સિલિન્ડર ગ્રાહકો પર ૧૦૦ રૂપિયા પ્રતિ સિલિન્ડરની છૂટ અપાઈ છે.
સાથે જ પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, અમે અમારી મહિલા શક્તિની તાકાત અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ કરીને મહિલાઓને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ છેલ્લા દાયકામાં અમારી સિદ્ધિઓમાં પણ પ્રતિબિંબિત થાય છે.