અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન ઓખા સુધી લંબાવાઈ.
પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવાના ઉદેશ્યથી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાનો અને અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસને ઓખા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
ટ્રેન નંબર-૨૨૯૬૨ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ૧૩ માર્ચથી રવિવાર સિવાય દરરોજ અમદાવાદથી સવારે ૦૬:૧૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૧:૩૫ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર-૨૨૯૬૧ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ૧૩ માર્ચથી રવિવાર સિવાય દરરોજ મુંબઈ સેન્ટ્રલથી ૧૫:૫૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૨૧:૨૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેન નંબર ૨૨૯૨૫/૨૨૯૨૬ અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસને ઓખા સ્ટેશન સુધી લંબાવવામાં આવી રહી છે. ટ્રેન નંબર ૨૨૯૨૫ અમદાવાદ–ઓખા વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ૧૩ માર્ચથી મંગળવાર સિવાય દરરોજ અમદાવાદથી ૧૮:૧૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦:૪૦ કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર-૨૨૯૨૬ ઓખા-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ૧૪ માર્ચથી બુધવાર સિવાય દરરોજ ૦૩:૪૦ કલાકે ઓખાથી ઉપડશે અને તે જ દિવસે ૧૦:૧૦ કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશાઓમાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે.
આ બંને ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ હશે. આ ટ્રેન માટેનું બુકિંગ ૧૨ માર્ચથી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર થશે. સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો રેલવે વિભાગની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે