ભાજપે ૭૨ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. નીતિન ગડકરીને નાગપુર, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ, ગુજરાતના ૭ ઉમેદવારોની જાહેરાત કરી.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે ૭૨ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. નીતિન ગડકરીને નાગપુરથી ટિકિટ આપી છે. જ્યારે હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ આપવામાં આવી છે.
ભાજપે ઉમેદવારોની બીજી યાદીમાં ઘણા વીઆઈપીને તક આપવામાં આવી છે. નીતિન ગડકરી અને મનોહરલાલ ખટ્ટરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગડકરી ફરી નાગપુરથી ચૂંટણી લડશે તો મનોહરલાલ ખટ્ટરને કરનાલથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આવી જ રીતે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને મુંબઈ નોર્થથી ટિકિટ આપવામાં આવી છે.
પાર્ટીએ મોટા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા
અનુરાગ ઠાકુરની વાત કરીએ તો ભાજપે તેમને હમીરપુરથી મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે પાર્ટીએ અનિલ બલૂનીને ગઢવાલથી તક આપી છે. દક્ષિણ ભારતમાં પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈને પણ ભાજપ તરફથી કર્ણાટકના હાવેરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આવી જ રીતે પંકજા મુંડેને બીડથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર રાવતને હરિદ્વારથી તક આપવામાં આવી છે. ધારવાડથી પ્રહલાદ જોશી, તેજસ્વી સૂર્યાને બેંગલુરુ સાઉથથી ટિકિટ મળી છે. પાર્ટીએ આ વખતે દરેક મોટા ચહેરાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે, માત્ર તમામ કિંમતે બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ભાજપની બીજી યાદીમાં એક મોટું નામ પીયુષ ગોયલનું છે, જેઓ અત્યાર સુધી રાજ્યસભા દ્વારા ચૂંટાતા હતા, પરંતુ હવે તેમને ચૂંટણીના રાજકારણમાં ઉતારવામાં આવ્યા છે. આ વાત એટલા માટે મહત્વની છે કે પોતાની પહેલી યાદીમાં પણ પાર્ટીએ આ જ રીતે ઘણા મોટા નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, એક વખત દરેક લોકોએ જનતાની સામે જઈને ત્યાંથી ચૂંટાઇ જવું જોઇએ. આ જ સિદ્ધાંત પર આગળ વધતા પાર્ટી પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે.
ભાજપે ગુજરાતના વધુ વધુ ૭ ઉમેદવારની જાહેરાત કરી
ભાજપે ગુજરાતના વધુ વધુ ૭ ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં વડોદરાથી રંજનબેન ભટ્ટ અને અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ રિપીટ કરાયા છે. આ સિવાય છોટા ઉદેપુરથી જશુભાઈ રાઠવા, વલસાડથી ધવલ પટેલ, સુરતથી મુકેશ દલાલ, સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર અને ભાવનગરથી નિમુબેન બંભાણિયાને ટિકિટ આપવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં કોને મળી ટિકિટ
મહારાષ્ટ્રમાં ભાજપે નંદુરબારથી હિના વિજયકુમાર ગાવિત, ધૂલેથી સુભાષ રામરાવ ભામરે, જલગાંવથી સ્મિતા વાઘ, રવરથી રક્ષા નિખિલ ખડસે, અકોલાથી અનુપ ધોત્રે, વર્ધાથી રામદાસ ચંદ્રભાણજી ટાડા, નાગપુરથી નીતિન ગડકરી, ચંદ્રપુરથી સુધીર મુનગંટીવાર, નાંદેડથી પ્રતાપરાવ પાટિલ, રાવસાહેબ દાદારાવ દાનવેએ જાલનાથી, ભારતી પ્રવિણ પવારને ડિંડોરીથી, કપિલ મોરેશ્વરને ભીવંડીથી મેદાનમાં ઉતાર્યા છે.
અન્ય ઉમેદવારોમાં મુંબઈ ઉત્તરથી પીયૂષ ગોયલ, મુંબઈ નોર્થ ઈસ્ટથી મિહિર કોટેચા, પુણેથી મુરલીધર કિશન હોહોલ, અહમદનગરથી સુજય રાધાકૃષ્ણ વિખે પાટિલ, બીડથી પંકજા મુંડે, લાતુરથી સુધાકર તુકારામ શ્રૃંગારે, માધાથી રંજીત સિન્હા નાઈક અને સાંગલીથી સંજયકાકા પાટિલનો સમાવેશ થાય છે.