લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે. જેમાં વિકસિત ભારતના નિર્માણ માટે સૂચન અને સમર્થન માંગ્યા છે. પ્રધાનમંત્રીએ પત્રમાં લખતા જણાવ્યું કે, તમારો અને આપણો સાથ એક દશક પૂર્ણ કરવા જઇ રહ્યો છે. મારા ૧૪૦ કરોડ પરિવારની સાથે વિશ્વાસ, સહયોગ અને સમર્થનથી જોડાયેલો મજબૂત સંબંધ મારા માટે કેટલો કિમતી છે, તે શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે.
તમારા જીવનમાં આવેલા સકારાત્મક બદલાવ વિતેલા દસ વર્ષોની સૌથી મોટી ઉપલબ્ધિ છે. નીતિ અને નિર્ણય દ્વારા ગરીબ, ખેડૂતો, મહિલા અને યુવાઓના જીવનમાં બદલાવ લાવવાનો ઇમાનદાર પ્રયાસ કર્યો છે તેના પરિણામો આપણી સામે જ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાકા મકાનો, વીજળી, પાણી તથા મેડિકલ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી.
તેમણે વધુમાં લખ્યુ કે, તમારા વિશ્વાસ અને સમર્થનથી જ જીએસટી લાગુ કરવા, કલમ ૩૭૦ હટાવવી, ત્રિપલ તલાકનો કાયદો, સંસદમાં મહિલાઓ માટે નારી શક્તિ વંદન અધિનિયમ, નવા સંસદ ભવનનુ નિર્માણ, આતંકવાદ અને નક્સલવાદ પર કડક નિર્ણયો લેવાનું અમે ચૂક્યા નથી. દેશહિત માટે મોટા નિર્ણયો લેવા, યોજના બનાવવી તથા તેને સુચારુ રૂપથી લાગુ કરવાની શક્તિ તમારા વિશ્વાસ અને સહયોગથી જ પ્રાપ્ત થઇ છે.
વિકસિત ભારતના નિર્માણના સંકલ્પ સાથે દેશ આગળ વધી રહ્યો છે તેને પૂર્ણ કરવા માટે તમારા વિચારો, સૂચનો અને સહયોગની આવશ્યકતા છે. મને વિશ્વાસ છે કે તમારા આશીર્વાદ અને સમર્થન નિરંતર મળતા રહેશે.