ચૂંટણી પંચે છ રાજ્યોના ગૃહ સચિવો ઉપરાંત પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ, બૃહન્મુંબઈ મ્યુ. કમિ. ઈકબાલ સિંહ ચહલ અને એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનરને પણ હટાવાયા.
લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી ૬ રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાનો આદેશ કર્યો છે. ચૂંટણી પંચે જે 6 રાજ્યોના સચિવનો હટાવ્યા છે, તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સામેલ છે. પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, ચૂંટણીમાં સમાન તકોને ધ્યાને રાખી આ કાર્યવાહી કરવામાં આવી છે. ચૂંટણી પંચની કડક કાર્યવાહીથી સંદેશ મળી રહ્યો છે કે, લોકસભા ચૂંટણી ૨૦૨૪ નું આયોજન સમાન સ્તરે કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળના ડીજીપી સામે ત્રીજી વખત કાર્યવાહી
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને ૨૦૧૬ માં રાજ્યની વિધાનસભા ચૂંટણી અને ૨૦૧૯ ની લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પરથી હટાવી દીધા હતા. ત્યારે ચૂંટણી પંચે ૨૦૨૪ ની ચૂંટણીને ધ્યાને રાખી ફરી બંગાળના ડીજીપીને હટાવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ સિંહ ચહલની સાથે એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવાયા છે. આ ઉપરાંત મિઝોરમ અને હિમાચલ પ્રદેશના GAD સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે શનિવારે ૧૬ માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે ૧૯ એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં ૧૩ મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં ૧૯ એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં ૧૩ મે, ૨૦ મે, ૨૫ મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ ૭ મેના રોજ જ મતદાન થશે. રાજ્યમાં ૧૨ એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૯ એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ ૨૨ એપ્રિલ નિર્ધારીત કરાઈ છે. રાજ્યની ચૂંટણીઓના પરિણામો ચોથી જૂને જાહેર થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ ૯૬.૮૮ કરોડ મતદારો રજીસ્ટર્ડ થયા છે.