લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ભાજપમાં આંતરિક કહેલ જોવા મળી રહ્યો છે. વડોદરા સાવલીના ભાજપ ધારસભ્ય કેતન ઇમાનદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ખળભળાટ.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ પહેલા ભાજપમાં પણ ભડકો થયો છે. વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું આપ્યું છે. રસપ્રદ વાત એ છે કે, કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર સિંહ ચૌધરીને ઇમેલથી રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જોકે નિયમ મુજબ જ્યાં સુધી ધારાસભ્ય રૂબરુ આવીને વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ન સોંપે ત્યાં સુધી તે માન્ય ગણાતું નથી.
કેતન ઇનામદારે ઇમેલથી રાજીનામું આપ્યું
વડોદરાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઇનામદારે સોમવારે મોડીરાત્રે ઇમેલથી શંકર સિંહ ચૌધરીને રાજીનામું આપ્યું છે. કેતન ઇમાનદારે ત્રણ લાઈનના રાજીનામાં પત્રમાં લખ્યું છે – વંદે માતરમ સહ જણાવું છે કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઈ ઇનામદાર, ૧૨૫- સાવલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છે. મારા અંતર આત્માના અવાજને માન આપીને મારુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપું છે, જે સ્વીકારવા વિનંતી છે.
ગુજરાત પ્રદેશ ભાજપમાંથી રાજીનામું આપનાર કેતન ઇનામદાર પ્રથમ ધારસભ્ય છે. કેતન ઇનામદાર ત્રણ વખતથી ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા છે. તેમણે પ્રથમ વાર ૨૦૧૨ માં અપક્ષ તરીકે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડી અને જીત્યા હતા. ત્યારબાદ ૨૦૧૭ અને ૨૦૨૨ માં ભાજપ તરફ ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. કેતન ઇનામદાર સહકારી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વડોદરા ભાજપ નેતા જ્યોતિ પંડ્યાને પાર્ટીએ સસ્પેન્ડ કર્યા
ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા સમયથી વડોદરા ભાજપના નેતાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે ભાજપ મહિલા મોરચાના પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાને પાર્ટી દ્વારા છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં ત્રીજી વખત વર્તમાન સાંસદ રંજન ભટ્ટના નામાંકન સામે અસંતોષ વ્યક્ત કર્યો અને પત્રકાર પરિષદ યોજી હતી.