સોનાના ભાવ વૈશ્વિક બજાર અને સ્થાનિક બજારમાં રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. એક જ દિવસમાં સોના અને ચાંદીમાં ૧૩૦૦ રૂપિયાનો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

સોનાના ભાવ ઈતિહાસની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૬૯૦૦૦ રૂપિયા થયા છે, જે ઓલટાઈમ હાઇ લેવલ છે. વૈશ્વિક બજારમાં સોનું ૨૨૦૦ ડોલર રેકોર્ડ હાઇ લેવલને સ્પશ્યું છે. જેની અસરે ભારતમાં પણ સોનું મોંઘુ થયું છે. સોનાની પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે.
સોનું ૬૯૦૦૦ ઓલટાઇમ હાઇ
સોનું નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૩૦૦ રૂપિયા ઉછળ્યા. આ સાથે ૧૦ ગ્રામ દીઠ ૯૯.૯ શુદ્ધ સોનાનો ભાવ ૬૯૦૦૦ રૂપિયા થયો છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો છે. તેવી જ રીતે ૯૯.૫ સોનાનો ભાવ ૬૮૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થયો છે. સોનાના ભાવ સતત વધી રહ્યા છે, આથી સામાન્ય વ્યક્તિને પીળી કિંમત ઘાતુ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે.
ચાંદી ૧૩૦૦ રૂપિયા ઉછળી
સોનાની પાછળ પાછળ ચાંદી પણ મોંઘી થઇ રહી છે. સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી ૧૩૦૦ રૂપિયા ઉછળી હતી. આ સાથે 1 કિલો ચાંદીની કિંમત ૬૮૮૦૦ રૂપિયા થઇ હતી.ગઇકાલે ૧ કિલો ચાંદીની કિંમત ૬૭૫૦૦ રૂપિયા હતી.
૩ સપ્તાહમાં સોનું ૪૮૦૦ રૂપિયા મોંઘુ થયું
માર્ચ મહિનામાં સોનાની કિંમત સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૬૪૨૦૦ રૂપિયા હતી, જે વધીને ૨૧ માર્ચ, ૨૦૨૪ના રોજ ૬૯૦૦૦ રૂપિયા થયો છે. આમ માત્ર ૨૧ દિવસમાં સોનનું ૪૮૦૦ રૂપિયા મોંઘુ થયું છે. ટકાવારીમાં વાત કરીયે તો સોનમાં રોકાણકારોને ૭.૫ % રિટર્ન મળ્યું છે.
વૈશ્વિક બજારમાં સોનું ૨૨૦૦ ડોલર રેકોર્ડ હાઇ
વૈશ્વિક બજારમાં સોનું ૨૨૦૦ ડોલરની સપાટી કુદાવી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યું છે. વૈશ્વિક હાજર સોનું ૧.૨ % વધી ૨૨૨૨ ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થયુ હતુ, જે ઐતિહાસિક ઉંચો ભાવ છે. તો એપ્રિલ ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રાક્ટ ૨ % વધીને ૨૨૨૪.૮૦ ડોલર બોલાયુ હતુ. તો પ્લેટિનમ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ ૦.૯ % વધીને ૯૨૦ ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી વાયદો ૩.૩ % વધી ૨૫.૯૨૭ ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થયા હતા.
સોના ચાંદીના ભાવ વધવાના કારણ
સોના ચાંદી ના ભાવ છેલ્લા ઘણા સપ્તાહથી વધી રહ્યા છે અને તેની પાછળ ઘણા પરિબળો જવાબદાર છે. યુએસ ફેડ રિઝર્વ બેંકે વ્યાજદરને યથાવત રાખ્યા છે. જો કે ચાલુ વર્ષે ૩ વખત વ્યાજદર ઘટાડવાના સંકેત આપ્યા છે. આગામી સમયમાં વ્યાજદર ઘટવાની આશાએ સોના અને ચાંદીમાં ઉછાળો જોવા મળ્યો છે. ફેડ રેટ ઘટવાની અસરે યુએસ ડોલર અને યુએસ બોન્ડની યીલ્ડ ઘટશે. આથી રોકાણકારો અન્ય સ્ત્રોતમાંથી નાણાં પાછા ખેંચી સોનામાં રોકાણ વધારી રહ્યા છે.