સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી, દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર સ્થગિત કરવામાં આવ્યું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના એક્સાઈઝ પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ફરી પૂછપરછ શરૂ કરી છે. અરવિંદ કેજરીવાલની પૂછપરછ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી રહી છે અને ઉપરાંત લેખિતમાં નિવેદન પણ નોંધવામાં આવી રહ્યું છે. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર થોડીવારમાં જ સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલની ધરપકડ સામે તાત્કાલિક સુનાવણીની અરજી મંજૂર કરી દીધી છે. આ દરમિયાન ઈડીએ પણ કેવિયેટ ફાઈલ કરીને સુપ્રીમકોર્ટને આ મામલે તેનો પક્ષ સાંભળ્યા વિના ચુકાદો ન કરવા અપીલ કરી હતી.
ગુજરાત સહિત દેશમાં આપ કાર્યકર્તાનો દેખાવ
દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ બાદ ગુજરત સહિત દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ દેખાવ શરુ કર્યો છે. ગુજરાતના સુરતમાં આપના કાર્યકર્તાઓ પોસ્ટર લઈને દેખાવ કરી રહ્યા છે. જો કે પોલીસે સુરતમાં ઘણા આપ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
સુપ્રીમ કોર્ટમાં અરવિંદ કેજરીવાલના કેસની વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસે કહ્યું કે તમે જસ્ટિસ સંજીવ ખન્ના પાસે જાઓ અને તમારી વાત રાખો, તેમની પાસે સ્પેશિયલ બેન્ચ છે. ચીફ જસ્ટિસે કહ્યું કે સંજીવ ખન્નાની બેંચ આજે સુનાવણી કરશે.
દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું. આજે નિર્ધારિત વિશેષ સત્ર હવે 27 માર્ચે યોજાશે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય સેવાઓમાં આવી રહેલી સમસ્યાઓને લઈને દિલ્હી વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.