એલોન મસ્કની કંપની ન્યુરાલિંકે મોટી સફળતા મેળવી છે. જ્યાં તાજેતરમાં ન્યુરાલિંકે એક વ્યક્તિના મગજમાં સફળતાપૂર્વક એક ચિપ ફીટ કરી હતી અને હવે તે વ્યક્તિનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ૨૯ વર્ષીય લકવાગ્રસ્ત દર્દી નોલેન્ડ અબોગ હાથનો ઉપયોગ કર્યા વિના પોતાના મગજથી ચેસ અને સિવિલાઇઝેશન VI ગેમ રમતા જોવા મળે છે. આ પહેલાં ન્યુરાલિંકે જાન્યુઆરીમાં સર્જરી દ્વારા માનવ મગજમાં ચિપ ઈમ્પ્લાન્ટ કરવામાં સફળતા મેળવી હતી. આ ડિવાઇસનું કદ નાના સિક્કા જેટલું છે, જે માનવમગજ અને કમ્પ્યૂટર વચ્ચે સીધી સંચાર માર્ગ બનાવે છે.
એલોન મસ્કે જે ટેક્નોલોજી દ્વારા ચિપ બનાવી છે તેને બ્રેઈન-કમ્પ્યૂટર ઈન્ટરફેસ અથવા ટૂંકમાં BCIs કહેવામાં આવે છે. બીજી ઘણી કંપનીઓ પણ વર્ષોથી આના પર કામ કરી રહી છે. આ સિસ્ટમ નજીકના ચેતાકોષોના સિગ્નલોને “વાંચવા” માટે મગજમાં મૂકેલા નાના ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરે છે. સોફ્ટવેર પછી આ સિગ્નલોને આદેશો અથવા ક્રિયાઓમાં ડીકોડ કરે છે, જેમ કે કર્સર અથવા રોબોટિક હાથને ખસેડવું.