પીએમ મોદીએ આ સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ સન્માન ૧૪૦ કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.
ભૂટાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે. આ રીતે, તેઓ ભૂટાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પ્રથમ વિદેશી સરકારના વડા બન્યા છે. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુકે પીએમ મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કર્યા. પીએમ મોદીએ આ સન્માન માટે આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ આ સન્માન ૧૪૦ કરોડ ભારતીયોને સમર્પિત કરે છે.
સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત થયા બાદ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘આજનો દિવસ એક ભારતીય તરીકે મારા જીવનનો એક મોટો દિવસ છે. તમે મને ભૂટાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કર્યા છે. દરેક પુરસ્કાર પોતાનામાં વિશેષ હોય છે, પરંતુ જ્યારે કોઈ અન્ય દેશ તરફથી એવોર્ડ મળે છે, ત્યારે તે આત્મવિશ્વાસ મજબૂત કરે છે કે આપણા બંને દેશ સાચી દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત અને ભૂતાન વચ્ચેના સંબંધો જેટલા પ્રાચીન છે એટલા જ નવા અને સમકાલીન પણ છે. ૨૦૧૪ માં જ્યારે હું ભારતનો વડાપ્રધાન બન્યો ત્યારે મારી પ્રથમ વિદેશ મુલાકાત તરીકે ભૂતાનની મુલાકાત લેવી સ્વાભાવિક હતું. ૧૦ વર્ષ પહેલા ભૂટાન દ્વારા આપવામાં આવેલ સ્વાગત અને ઉષ્માએ વડાપ્રધાન તરીકે મારી ફરજ મુલાકાતની શરૂઆતને યાદગાર બનાવી દીધી હતી.