સેલિબ્રિટી-પક્ષપલટુઓ પર દાવ

ભાજપે કંગના રણૌત, અરુણ ગોવિલ, નવીન જિંદાલ, સીતા સોરેન સહિત ઘણા પ્રખ્યાત ચહેરાઓ પર દાવ લગાવ્યો, ભાજપે ૧૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

ભાજપે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી દીધી છે. જેમાં ભાજપે ૧૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ લિસ્ટમાં ભાજપે કંગના રણૌત, અરુણ ગોવિલ, નવીન જિંદાલ, સીતા સોરેન સહિત ઘણા પ્રખ્યાત ચહેરાઓ પર દાવ લગાવ્યો છે. 

કોનું પત્તું કપાયું… 

પાર્ટીએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સંબલપુરથી અને પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાને ઓડિશાના પુરીથી મેદાનમાં ઉતાર્યા છે. યુપીની સુલ્તાનપુર લોકસભા સીટથી મેનકા ગાંધી જ્યારે વરુણ ગાંધીની ટિકિટ કાપીને પીલીભીતથી જીતિન પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી સીતા સોરેન ઝારખંડની દુમકા સીટથી ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે સીતા સોરેન હાલમાં જ ભાજપમાં જોડાયા છે.

કેન્દ્રીય મંત્રીની ટિકિટ પણ કપાઈ 

ભાજપે ઉત્તરા કન્નડ બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેની ટિકિટ રદ્દ કરી દીધી છે. જ્યારે લોકપ્રિય ટીવી સીરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલને ભાજપે મેરઠ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે અને વીકે સિંહ સિવાય સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપવામાં આવી છે, જ્યારે કંગના હિમાચલની મંડી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે અત્યાર સુધી ૪૦૨ સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.

મેનકા અને અરુણ ગોવિલ પર વિશ્વાસ ઉતારાયો 

સૌથી પહેલા જો યુપીની વાત કરીએ તો ભાજપે પાંચમી યાદીમાં યુપીના વધુ ૧૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પહેલા ૫૧ નામ અને હવે ૧૩ એટલે કે કુલ ૬૪ નામ જાહેર કરવામાં આવ્યા છે. સાથી પક્ષોને બેઠકો આપ્યા બાદ ભાજપ પોતે ૭૫ બેઠકો પર ચૂંટણી લડશે. પાર્ટીએ પીલીભીતથી વરુણ ગાંધીની ટિકિટ રદ્દ કરી દીધી છે. જ્યારે બારાબંકીનો વીડિયો વાયરલ થયા બાદ નવા ઉમેદવારને તક આપવામાં આવી છે. ભાજપે સુલતાનપુરથી મેનકા ગાંધીને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે અરુણ ગોવિલ મેરઠથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડશે. ભાજપે સહારનપુરથી રાઘવ લખનપાલ, મુરાદાબાદથી સર્વે સિંહ, ગાઝિયાબાદથી અતુલ ગર્ગ, અલીગઢથી સતીશ ગૌતમ, હાથરસ (એસસી)થી અનૂપ વાલ્મિકી, બદાયુંથી દુર્વિજય સિંહ શાક્ય, બરેલીથી છત્રપાલ સિંહ ગંગવાર, સુલ્તાનપુરથી મેનકા ગાંધી, કાનપુરથી રમેશ અવસ્થી, બારાબંકી(એસસી)થી રાજરાની રાવત અને બહરાઇચ (SC)માંથી અરવિંદ ગોંડને મેદાનમાં ઉતાર્યા છે.

આંધ્રપ્રદેશની આ ૬ બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા 

ભાજપ આંધ્રપ્રદેશમાં ૬ બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપ-ટીડીપી-જેએસપી ગઠબંધનમાં સીટ વહેંચણીની આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ પુરેન્દ્રેશ્વરીને રાજમુંદરી સીટથી, કોથાપલ્લી ગીતાને અરાકુથી, સીએમ રમેશને અનાકાપલ્લેથી, પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડીને રાજમપેટ લોકસભા સીટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

વાયનાડમાં સુરેન્દ્રન રાહુલ ગાંધી સામે લડશે

ભાજપે કેરળની વાયનાડ બેઠક પરથી પ્રદેશ અધ્યક્ષ કે. સુરેન્દ્રનને રાહુલ ગાંધી અને CPIના એની રાજા સામે મેદાનમાં ઉતાર્યા છે. જોકે સુરેન્દ્રને અગાઉ આ વખતે ચૂંટણી લડવાની ના પાડી હતી. ભાજપે કેરળની ૪ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં કોલ્લમ સીટ પરથી કૃષ્ણકુમાર જીને ટિકિટ આપવામાં આવી છે. કૃષ્ણકુમાર એક અભિનેતા છે અને તેઓ અગાઉ ૨૦૨૧ ની વિધાનસભા ચૂંટણી તિરુવનંતપુરમ બેઠક પરથી લડ્યા હતા. જ્યારે ભાજપે એર્નાકુલમથી કેએસ રાધાકૃષ્ણન અને અલાથુર સીટથી ડો.ટીએન સરસુને ટિકિટ આપી છે.

ગુજરાતની આ બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

ભાજપે ગુજરાતની તમામ ૨૬ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. જૂનાગઢમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે વડોદરામાંથી ડો.હેમાંગ જોશીને ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીએ સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા, મહેસાણામાંથી હરિભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાંથી ચંદુભાઈ શિહોરા અને અમરેલીમાંથી ભરતભાઈ સુથારિયાને ટિકિટ આપી છે. પાર્ટીએ ગુજરાતમાં ૬ બેઠકો માટે નામોની જાહેરાત કરી છે.

પૂર્વ જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય અને સંદેશખાલી પીડિતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો

ભાજપે પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી કોલકાતા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાયને ટિકિટ આપી છે. રાજમાતા અમૃતા રોય કૃષ્ણનગરથી ટીએમસીના મહુઆ મોઇત્રા સામે ટકરાશે. ટીએમસીમાંથી ફરી ભાજપમાં સામેલ થયેલા અર્જુન સિંહ બેરકપુરથી ચૂંટણી લડશે. બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ અને મિદનાપુરના સાંસદ દિલીપ ઘોષ બર્ધમાન-દુર્ગાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. આસનસોલથી ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલ મેદિનીપુરથી ચૂંટણી લડશે, જ્યારે સંદેશખાલી પીડિત રેખા પાત્રાને બસીરહાટ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંગાળમાંથી બે વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા એસએસ અહલુવાલિયાની ટિકિટ કાપવામાં આવી છે.

બિહારમાં અશ્વિની ચૌબેની ટિકિટ કેન્સલ, ગિરિરાજ સિંહ પર વિશ્વાસ 

ભાજપે બિહારની ૧૭ બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ વખતે બક્સરના સાંસદ અશ્વિની ચૌબેની ટિકિટ રદ કરવામાં આવી છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા ડૉ.સી.પી. ઠાકુરના પુત્ર અને રાજ્યસભાના સાંસદ વિવેક ઠાકુરને નવાદાથી ટિકિટ મળી છે. ગિરિરાજ સિંહ બેગુસરાયથી ઉમેદવાર હશે. પાર્ટીએ બક્સરથી અશ્વિની ચૌબેની ટિકિટ રદ કરીને મિથિલેશ તિવારીને તક આપી છે. અહીં સાસારામથી છેડી પાસવાનની ટિકિટ રદ કરવામાં આવી હતી, તેમના સ્થાને શિવેશ રામને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તે જ સમયે, મુઝફ્ફરપુરથી અજય નિષાદની ટિકિટ રદ કરવામાં આવી હતી અને રાજ ભૂષણ નિષાદને ટિકિટ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *